🎁 વિજય વિલાસ પેલેસ 🎁
🎁 ત્રીજા ખેંગારજી સુધીના રાજવીઓને માંડવી આવવાનું થતું ત્યારે તે મોલાતમાં રહેતા, પરંતુ ખેંગારજીના કુંવર વિજયરાજજીને સ્વતંત્ર મહેલ બંધાવવાની ઇચ્છા થઇ અને તેમણે માંડવીની પશ્ચિમે લગભગ આઠેક કિ.મી. દૂર કાઠડા ગામ પાસે પોતા માટે જુદો મહેલ બંધાવ્યો. તે આ વિજય વિલાસ.
🎁 વિજયરાજજીએ લગભગ ૧૯ર૦ થી તેનો વિચાર કરવા માંડ્યો. ૧૯ર૭ માં બંધાવો શરૂ થયો હતો એવો એક અભિપ્રાય છે. પણ ત્યાંના જૂના કર્મચારી શ્રી ગઢવી પુનશીરાજે પોતાની જુની ડાયરીમાંથી તેની પાયાવિધિની તારીખ વિક્રમ સંવત ૧૯૭૯ ના વસંત પંચમી બતાવી. તેનો અર્થ ઇ.સ. ૧૯ર૩ ની ર૦મી ફેબ્રુઆરીએ તેની પાયાવિધિ થઇ હશે. તેના આર્કિટેકટ તરીકે જયપુરના શ્રી માધવરાવ, ઇજનેર તરીકે શ્રી છોટાલાલ સી. શેઠ, પાયો ભરનાર હરિરામ ઠક્કર તથા ઓવરસીયર તરીકે હિંમતલાલ ધોળકીયા હતા. મિસ્ત્રી બાલારામ હતા. પુનશીરામના અંદાજ પ્રમાણે તેનું ખર્ચ ૬૦ લાખ કોરી થયું હતું. પણ શ્રી પૃથ્વીરાજજીના અંદાજ પ્રમાણે ર૦ લાખ કોરીથી વધુ ન હોય. મહેલને બાંધતા બાર વર્ષ લાગ્યા હતાં. તેના આસપાસના ભાગને સજાવવાનું કામ પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી ઇન્દ્રજીએ કર્યુ. પ્લાન્ટેશન વિકસાવવાનું કામ નવસારીના નાગરજી દેસાઇએ કર્યુ. આજે તો ઘણું અસ્તવ્યસ્ત છે. સુકાવા લાગ્યું છે છતાં તેની ભવ્યતાની ઝાંખી જોવા મળે છે. મહેલની જાળવણીનું કાર્ય રાજયના ઇજનેર મહાપ્રસાદ દેસાઇ કરતા.
🎁 વિજય વિલાસ મહેલ અથવા વિજય વિલાસ પેલેસ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ એક રજવાડી મહેલ છે. માંડવી શહેરના સુંદર દરિયા કિનારા પર વૈભવતાના પ્રતિક સમાન વિજય વિલાસ મહેલ કચ્છ જિલ્લાની શાન ગણાય છે. આ મહેલનું નિર્માણ ઈ. સ. ૧૯૨૦માં જયપુરના કારીગરો દ્વારા કરવામાં આવ્યું હતું. આના કારણે મહેલના બાંધકામમાં રાજપુત સ્થાપત્ય શૈલીની ઝલક જોવા મળે છે.
🎁 લાલ રેતાળ પથ્થરોથી બનેલો આ મહેલ એક મુખ્ય ગુંબજ ધરાવે છે, તેની ચોતરફ બંગાળી ગુંબજો, ખૂણામાં મિનારા અને રંગીન કાચની બારીઓ છે. છત પરના ઝરુખામાંથી આસપાસનો વિસ્તાર દ્રશ્યમાન થાય છે અને રાજાની સમાધિ પણ દેખાય છે. મહેલનો મધ્યખંડ અદ્ભુત છે. મહેલની રંગબેરંગી બારીઓ, દરબાજાઓ અને પ્રવેશદ્વારની રચના પણ અદ્ભુત છે. દરિયા કિનારાને કારણે અહીં હંમેશા હવા ઉજાસ રહે છે. હિન્દીના ચલચિત્રના શુટિંગ માટે આ એક પસંદગીનું સ્થળ છે. આ મહેલને વર્તમાન સમયમાં હેરિટેજ હોટલમાં રૂપાંતરિત કરવામાં આવેલ છે.
🎁 મહેલ સામે ઉભા રહીએં તો તેની ભવ્યતા આપણા સામે પ્રગટે છે. ત્રણ માળનો વિશાળ વિલા છે. ભોંયતળીયે આઠ ખંડ છે. પ્રથમ માળે પંદર ખંડો ખાલી છે. મહેલને ફરતા અગીયાર ઝરૂખા છે. આજે તો આ ખંડો ખાલી છે. પણ એક સમયે પુષ્કળ ફર્નિચરથી તથા રોમન-શિલ્પોથી શોભતા હતા. રૂમમાં જઇએં ત્યારે જુના કાશ્મીરી ગાલીચાની મુલાયમતા સ્પર્શી જાય છે. નીચેનાં બેડરૂમમાં ચાંદીના પાયાવાળો પલંગ પણ ધ્યાન ખેંચે છે.
🎁 પાછળની લોબીમાં બેસવાથી તેની પાછળ આવેલ બાગનાં દર્શન થાય છે. ફૂવારામંડિત બાગ એટલો સુંદર છે કે ત્યાંથી ખસવાનું મન જ ન થાય. વિજયરાજજી ઢળતી બપોરે ત્યાં બેસતા અને રંગો વચ્ચે નહાતાં.
🎁 વચ્ચે આવેલ ડાઇનીંગ હોલને હજી જૂની રીતે સાચવી રાખ્યો છે. ત્યાં જૂના વિરલ ફોટોગ્રાફસ અને પેઇન્ટીંગ્સને જોવા જેવા છે. હોલમાં દેશી પિયાનો લટાવ્યા છે. તેના મીઠા સૂર સમગ્ર ખંડમાં પથરાતા દેખાય અને આપણા અસ્તિત્વને ઝંકૃત કરી જાય છે. જૂનાં ચિત્રો સાથે શ્રી એલ.સી. સોનીનાં આધુનિક ચિત્રો પણ ખંડની શોભામાં વધારો કરે છે. પાસેનાં રૂમમાં ચાઇનીઝ પેટી-પટારા જોવા મળે છે.
🎁 પ્રથમ માળે જનાનખાતું હતું. તેની રચના પણ નીચેના રૂમો જેવી છે. માત્ર વચ્ચેના રૂમની જગ્યાએ અગાસી છે. ત્યાંની ઝીણી નકશીકામવાળી જાળીઓ મુસ્લિમ કળાનાં દર્શન કરાવે છે. તેના તોરણો દેલવાડાંની યાદ અપાવે છે. તેમાંથી સૂર્યનાં કોમળ કિરણો પસાર થાય ત્યારે તેની ગુલાબી ઝાંય મહેલને અવર્ણનીય રંગ અર્પે છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment