👦 ગુરુભક્ત ઉપમન્યુ 👦
👦 હજારો વર્ષો પહેલાંની વાત છે. મહર્ષિ આયોદધૌમ્ય તેમના જ્ઞાન, તપ અને વિદ્યા માટે પ્રસિદ્ધ હતા. તેમના ગુરુકૂળમાં અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે. બહારથી કઠોર લાગતા ઋષિને પોતાના શિષ્યો માટે અપાર પ્રેમ હતો. તેઓ શિષ્યોને દરેક પ્રકારનું શિક્ષણ આપી તેમનું ઘડતર કરતા.
👦 નાનકડો બાળક ઉપમન્યુ ગુરુકૂળમાં રહીને અભ્યાસ કરે. ગુરુએ તેને આશ્રમની ગાયો ચરાવવાનું કામ સોંપ્યું હતું. એક દિવસ ગુરુજીને ઉપમન્યુની પરીક્ષા લેવાની ઇચ્છા થઈ પરંતુ આ પરીક્ષા અલગ જ પ્રકારની હતી.
👦 ઉપમન્યુને પાસે બોલાવીને ગુરુજીએ કહ્યું, ‘બેટા, આજકાલ તું શું ભોજન કરે છે ?’ ઉપમન્યુએ નમ્રતાથી કહ્યું, ‘હું ભિક્ષા માગીને જે મળે તે ખાઈ લઉં છુંં.’ ગુરુએ કહ્યું, ‘વત્સ, બ્રહ્મચારીએ આ પ્રકારની ભિક્ષાનું ભોજન ન કરવું જોઈએ. ભિક્ષામાં જે કંઈ મળે તે ગુરુની સામે મૂકી દેવું જોઈએ. તેમાંથી ગુરુ કંઈક આપે તો જ ખાવું જોઈએ.’
👦 ગુરુભક્ત ઉપમન્યુે ગુરુજીની આજ્ઞા માથે ચઢાવી. હવે ભિક્ષામાં જે પણ કંઈ મળે તે ગુરુદેવની સામે મૂકી દેતો. ગુરુજી તો ઉપમન્યુની શ્રદ્ધાને દૃઢ કરવા માંગતા હતા. તે ભિક્ષામાં મળેલું બધું ભોજન ખાઈ જતા. ઉપમન્યુ માટે કશુંય વધતું નહીં.
👦 થોડા દિવસ પછી ગુરુએ ઉપમન્યુને પૂછ્યું, ‘તું આજકાલ શું ખાય છે ?’ ઉપમન્યુએ કહ્યું, ‘હું એક વખતનું ભિક્ષાનું અન્ન ગુરુજીને આપું છું અને મારા માટે બીજી વખત ભિક્ષા માંગવા જાઉં છું.’ ગુરુજીએ કહ્યું, ‘બેટા, બીજી વખત ભિક્ષા માગવી એ તો ધર્મ અને શાસ્ત્રોની વિરુદ્ધ છે. તેનાથી ગૃહસ્થી પર વધારે બોજ પડે. હવે તું બીજીવાર ભિક્ષા માગવા માટે જતો નહીં.’
👦 ઉપમન્યુએ નમ્રતાથી કહ્યું, ‘જેવી ગુરુજીની આજ્ઞા.’ તેણે બીજીવાર ભિક્ષા માંગવાનું બંધ કરી દીધું. થોડા દિવસો પછી ફરીથી ગુરુજીએ પૂછ્યું, ‘ઉપમન્યુ, તું હવે શું ખાય છે ?’ ઉપમન્યુએ કહ્યું, ‘ગુરુજી, હું ગાયોનું દૂધ પીઉં છું.’ ગુરુએ કહ્યું, ‘ઉપમન્યુ, આ યોગ્ય નથી, ગાયોના દૂધ પર તેના માલિકનો અધિકાર હોય છે. મને પૂછ્યા વગર તારે ગાયોનું દૂધ ન પીવું જોઈએ.’
👦 ઉપમન્યુ કહે, ‘જેવી ગુરુની આજ્ઞા.’ તેણે દૂધ પીવાનું પણ છોડી દીધું. થોડા દિવસ પછી ગુરુજીએ પૂછ્યું, ‘ઉપમન્યુ, તું કંઈ ખાતો નથી છતાં તારું શરીર તો દૂબળુ પડતું નથી. ખરેખર સાચું કહે, તું શું ખાય છે ?’ ઉપમન્યુએ સહજતાથી કહ્યું, ‘ગુરુજી, હું ગાયો ચરાવવા જાઉં છું પછી વાછરડાં ગાયનું દૂધ પીએ છે. દૂધ પીતી વખતે વાછરડાના મોં પર જે ફીણ થાય છે તે હું ખાઉં છું.’ ગુરુજીએ કહ્યું, ‘વાછરડાં ખૂબ દયાળુ હોય છે. તે જાતે ભૂખ્યાં રહીને તારા માટે વધારે ફીણ બનાવતાં હશે. તારી આ વાત યોગ્ય નથી.’ ઉપમન્યુએ કહ્યું, ‘જેવી ગુરુજીની આજ્ઞા.’
👦 ઉપમન્યુ કંઈ પણ ખાધા-પીધા વિના આખો દિવસ ગાયો ચરાવતો. તેનું શરીર દૂબળું પડી ગયું. શરીરનાં હાડકાં દેખાવા લાગ્યાં. એક દિવસ અસહ્ય ભૂખની પીડા તેનાથી સહન ન થઈ. તેણે આકડાનાં પાન ખાઈ લીધાં. તેને મન આ કોઈ ખાવા યોગ્ય વનસ્પતિ હશે. પરંતુ આકડાનું ઝેર ઉપમન્યુના શરીરમાં ફેલાઈ ગયું, તે બંને આંખે આંધળો બની ગયો. તેની દૃષ્ટિ ચાલી ગઈ. ગાયોનો અવાજ સાંભળીને તે તેની પાછળ પાછળ જવા લાગ્યો. રસ્તામાં એક ઊંડો કૂવો આવ્યો. અંધ ઉપમન્યુ કૂવામાં પડ્યો. કૂવામાંથી તેને બચાવનાર કોઈ નહોતું. તેણે ઘણી બૂમો પાડી પણ કોણ બચાવે ?
👦 આ બાજુ અંધારું થતાં બધી ગાયો પાછી આવી ગઈ પણ ગુરુજીએ ઉપમન્યુને ન જોતાં તેમને ચિંતા થવા લાગી. શું થયું હશે ? ભોળા ઉપમન્યુને મેં ઘણું દુ:ખ આપ્યું તેથી ભાગી તો નહીં ગયો હો ને ? તેઓ ઉપમન્યુને શોધવા અંધારી રાતમાં નીકળી પડ્યા. આખા જંગલમાં ફરતા પોકારવા લાગ્યા, ‘બેટા, ઉપમન્યુ, તું ક્યાં છે ? બેટા ઉપમન્યુ તું ક્યાં છે ?’ ત્યાં બાજુના કૂવામાંથી અવાજ આવ્યો. ‘ગુરુજી, હું આંખે દેખાતું ન હોવાથી આ કૂવામાં પડી ગયો છું. મને બહાર કાઢો.’
👦 ગુરુજીએ ઋગ્વેદના મંત્રો ભણી અશ્ર્વિનીકુમારોની સ્તુતિ કરી. ઉપમન્યુ પણ તેમની સ્તુતિ કરવા લાગ્યો. અશ્ર્વિનીકુમાર કૂવામાં પ્રગટ થયા. તેમણે ઉપમન્યુની આંખોનું તેજ પાછું આપ્યું અને તેના હાથમાં મીઠાઈની થાળી મૂકી. ‘બેટા તું મહિનાઓથી ભૂખ્યો છે લે આ મીઠાઈ ખાઈ લે.’ ઉપમન્યુએ કહ્યુ, ‘ગુરુજીને અર્પણ કર્યા પછી જ તે વધે તો હું ખાઈ શકું.’
👦 અશ્ર્વિનીકુમારોએ કહ્યું, ‘ઉપમન્યુ, તું સંકોચ ન કરીશ. તારા ગુરુએ પણ પોતાના ગુરુને અર્પણ કર્યા વિના અમે આપેલો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.’ ઉપમન્યુએ વિનમ્રતાથી કહ્યું, ‘તેઓ મારા ગુરુદેવ છે. તેમણે ગમે તે કર્યુ હોય, પણ હું તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકું નહીં.’ ઉપમન્યુની ગુરુભક્તિ જોઈ અશ્ર્વિનીકુમારો પ્રસન્ન થયા. તેમણે ઉપમન્યુને ભણ્યા વિના બધી વિદ્યાઓનું જ્ઞાન કરાવી દીધું.
👦 ઉપમન્યુ કૂવામાંથી બહાર આવ્યો ત્યારે ગુરુ આયોદધૌમ્યુએ ઉપમન્યુને છાતીસરસો ચાંપી દીધો. ગુરુની આંખોમાંથી દડ દડ આંસુ પડવા લાગ્યાં. તેઓ કહેવા લાગ્યા, ‘શિષ્ય હોય તો ઉપમન્યુ જેવો.’
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment