🏡 રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી 🏡
🏠 ૨ લાખ ચોરસ ફીટમાં ફેલાયેલું રાષ્ટ્રપતિ ભવન દેશનું સૌથી પાવરફુલ હાઉસ છે. યુરો કપની ફાઈનલ કીવના જે સ્ટેડિયમમાં યોજાઈ તેના કરતાં ૩ ગણા વિશાળ આ મકાનમાં ૧૮ દાદરા અને ૭૪ લોબી છે.
🏠 દિલ્હી પાટનગર બન્યું એની શતાબ્દિ ગયા વર્ષે જ ઊજવાઈ. ૧૯૧૧માં કોલકાતાથી દિલ્હી પાટનગર ખસેડવાનું નક્કી થયું ત્યારે આજે જ્યાં ભવ્ય મહાનગર દિલ્હી છે એ વિસ્તાર એક નાનકડા નગર જેવો હતો. આસપાસ વળી જંગલ વિસ્તાર. મધ્ય એશિયામાંથી ભારત પર આક્રમણ થાય તો પાટનગર કોલકાતા ખાસ્સું દૂર પડી જાય એ હેતુથી પંચમ જ્યોર્જે દિલ્હીને પાટનગર બનાવવાનું નક્કી કરેલું. બ્રિટિશરોને પારકે પૈસે તાગડધિન્ના કરવાના હતા, એટલે એ નવા પાટનગરમાં સ્વાભાવિક રીતે જ બધાં બાંધકામો નવાં કરવા માંગતા હતા. એ બાંધકામોના લિસ્ટમાં રાષ્ટ્રપતિ ભવનનો પણ સમાવેશ થતો હતો. અલબત્ત, રાષ્ટ્રપતિ ભવન નામ આજે છે, બાંધકામ વખતે આ ભવ્ય મકાનને 'વાઈસરોય હાઉસ' નામ આપવામાં આવેલું, કેમ કે બ્રિટિશ હિન્દના વાઈસરોય ત્યાં બિરાજવાના હતા.
🏠 રાષ્ટ્રપતિ ભવન ખુદ એક નગર જેવું છે. તેમાં પોસ્ટ ઓફિસ છે, ટેનિસ કોર્ટ, ક્રિકેટ મેદાન, પોલો ગ્રાઉન્ડ, બેન્ક છે, થિયેટર છે, પાવર સ્ટેશન છે, લોન્ડ્રી છે, આઈસ ફેક્ટરી છે, ટેલિફોન એક્સચેંજ છે અને પ્રિન્ટિંગ પ્રેસ પણ છે. આટલી સુવિધા તો આજકાલના નાના એવા શહેરમાં પણ નથી હોતી.
🏠 વોકિંગ કરવા નીકળ્યા હોય એવી ઝડપે સતત સાડા ત્રણથી ચાર કલાક ચાલ્યા કરીએ ત્યારે ૩૪૦ ઓરડાના રાષ્ટ્રપતિ ભવનને આખી લટાર મારી શકાય. ઘણાખરા રાષ્ટ્રપતિઓ પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ક્યારેય આખું ભવન જોતાં જ નથી.
🏠 ચાર માળના ભવનનાં બધાં જ કોરિડોર થઈને અઢી કિલોમીટર લાંબી છે.
🏠 ભવ્ય બાંધકામના બદલામાં એડવિનને માત્ર ૫ હજાર પાઉન્ડની ફી ચૂકવાઈ હતી.
🏠 ઉદ્ઘાટનના ત્રીજા જ દિવસે વાઈસરોય હાઉસમાં એન્ટર થનારા ભારતીય વીઆઈપી ખુદ મહાત્મા ગાંધી હતા. તેઓ વાઈસરોય ઈરવીન સાથે વાટાઘાટ માટે ત્યાં ગયા હતા.
🏠 આજે ગણતરી કરીએ તો રાષ્ટ્રપતિ ભવનની કિંમત લગભગ ૧૬ હજાર કરોડ રૂપિયા થાય.
🏠 ભવનની દેખરેખ રાખવા માટે કોઈ પણ સમયે ૨ હજાર માણસોની જરૂર પડે છે.
🏠 મેઈન એન્ટ્રન્સ ગેટ નંબર ૩૫ તરીકે ઓળખાય છે.
🏠 આમીર ખાનની ફિલ્મ 'ફના'નું ગીત 'દેશ રંગીલા...' રાષ્ટ્રપતિ ભવનમાં ફિલ્માવાયું છે.
🏠 રાષ્ટ્રપતિ ભવનની આગળની બાજુએ એક પણ બારી નથી.
🏠 ભવનનું વાર્ષિક વીજળીનું બિલ લગભગ ૭ કરોડ રૂપિયા આવે છે.
🏠 રાષ્ટ્રપતિ ભવનમાં દૂરથી દેખાતા થાંભલાઓની સંખ્યા ૨૨૭ છે.
🏠 રાષ્ટ્રપતિ ભવનમાં ૩૪૦ પૈકી કેટલાક ઓરડા કે વિભાગનાં નામો ક્યારેક સમાચારોમાં ચમકતાં હોય છે. શું છે એ ખંડોમાં?
🏠 યલો ડ્રોઇંગ રૂમઃ-
યલો ડ્રોઇંગ રૂમમાં મોટેભાગે નાના સમારોહ આયોજિત કરવામાં આવે છે. જેવા કે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ), મુખ્ય ચૂંટણી અધિકારી વગેરેની શપથવિધિ.
🏠 બેંક્વેટ હોલઃ-
આ હોલને પહેલાં સ્ટેટ ડાઇંનિંગ હોલ તરીકે ઓળખવામાં આવતો હતો. તેને હવે બેંક્વેટ હોલ તરીકે ઓળખવામાં આવે છે. ૧૦૪ વ્યક્તિઓ એકસાથે ભોજન માટે બેસી શકે એટલી તેની વિશાળતા છે. દેશના બધા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓનાં પોર્ટ્રેટો પણ લગાવેલાં છે.
🏠 અશોક હોલઃ-
અશોક હોલને જોતાં કોઈ રત્નજડિત મોટું બોક્સ હોય તેવું લાગે છે. તેનું સમચતુષ્કોણીય માપ ૩૨ મીટર બાય ૨૦ મીટર છે. તેનો ફ્લોર લાકડાંનો બનેલો છે. રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા બધા હોલ કરતાં અશોક હોલની છત અલગ પેંઇન્ટ કરેલી છે અને ખાસ વાત એ છે કે પેઇન્ટિંગ પર્સિયન સ્ટાઇલમાં છે. લોર્ડ વિલિંગ્ડન જ્યારે વાઇસરોય હતા ત્યારે તેમનાં પત્નીએ આ કામ શરૂ કરાવ્યું હતું.
🏠 નોર્થ ડ્રોઇંગ રૂમઃ-
નોર્થ ડ્રોઇંગ રૂમનો ઉપયોગ વિદેશથી ભારતની મુલાકાતે આવતા જે તે દેશના પ્રમુખોના સ્વાગત માટે કરવામાં આવે છે. આ હોલમાં તરત નજરે ચડે તેવાં બે ચિત્રો રહેલાં છે, તેમાં ૧૪ ઓગસ્ટના રોજ એસ. એન. ઘોષાલ દ્વારા સત્તા હસ્તાંતરણ કરાઈ તેનું અને બીજું ભારતના પ્રથમ ગવર્નર જનરલની શપથવિધિનું ચિત્ર છે.
🏠 મ્યુઝિયમઃ-
મ્યુઝિયમમાં થોમસ ડેનિયલ અને વિલિયમ ડેનિયલ દ્વારા કરવામાં આવેલાં નકશીકામ,વિવિધ દેશોના પ્રમુખોનો ઓટોગ્રાફ સહિતની સ્મૃતિઓ સંગ્રહાયેલી છે. રાષ્ટ્રપતિએ લીધેલી વિદેશની મુલાકાતો દરમિયાન મળેલી ભેટસોગાદોને પણ અહીં પ્રદર્શનમાં મૂકવામાં આવેલી છે. ૧૯૧૧માં પંચમ જ્યોર્જના આગમન વખતે તેમના માટે બનેલી ૬૪૦ કિલોની ખુરશી અહીં સચવાયેલી છે.
🏠 એડવિન લ્યૂટેન્સઃ-
ભવ્ય ભવનનો રચનાર. દિલ્હીને પાટનગર બનાવવાનું નક્કી કર્યું એ સાથે જ બ્રિટિશરોએ પોતાના વિશ્વવિખ્યાત ઈજનેર એડવિન લ્યૂટેન્સને દિલવાલો કી દિલ્હી બાંધવા ભારત મોકલી દીધો. એડવિને આવીને રાયસિના હિલ નામના ટેકરીવાળા વિસ્તાર પર પસંદગી ઉતારી બાંધકામો ચાલુ કર્યાં. આ જગ્યાએ રહેતા ૩૦૦ પરિવારોનું સ્થળાંતર કરાયું. દેશનો પહેલો નાગરિક ઊંચા આસન પર બેઠક જમાવી આખા દેશ પર નજર રાખે એ ખ્યાલ મનમાં રાખી એડવિને ટેકરી પસંદ કરેલી. રાષ્ટ્રપતિ ભવનની ડિઝાઈનની પ્રેરણા અમેરિકાના કેપિટલ હીલ નામના બાંધકામમાંથી લેવાઈ છે. વાઈસરોય માટે આલીશાન મકાન બાંધવું એ લ્યૂટેન્સ માટે ચેલેન્જ હતી માટે તેણે પોતાના સાથી આર્કિટેક્ટ હર્બટ બેકરની પણ મદદ લીધી.
🏠 પથ્થરોની પથ્થરતોડ પસંદગી:-
૧૯૧૩માં શરૂ કરી ચાર વર્ષમાં બાંધકામ પૂરું કરવાની નેમ સાથે એડવિને પહેલાં તો ટેટા ફોડી ટેકરીનો કેટલોક ભાગ સપાટ કરાવડાવ્યો. બાંધકામ માટેના પથ્થરો પસંદ કરવા તેણે ભારતમાં જ છ મહિના રખડવું પડયું. પથ્થર સિલેક્શન સૌથી મુશ્કેલ કામ હતું, કેમ કે ત્રણેય ઋુતુમાં પથ્થરના કલરમાં જરા પણ ફરક ન પડે એ રીતે પસંદ કરવાના હતા. આખા ભવનમાં ક્યાંય કલરનું એક પણ ટીપું રેડવાનું ન હતું,પથ્થરો જ તેની સુંદરતા શોભાવવાના હતા. માટે જો પથ્થરો ખરાબ હોય તો ભવ્ય મકાનની ભવ્યતા શરૂ થતાં પહેલાં જ ઓસરી જાય. પરિણામે રાજસ્થાનની ખાણો સહિત વિવિધ સ્થળોએથી પથ્થરો ભેગા કર્યા. એ પથ્થરો લાવવા રાજસ્થાનથી રાષ્ટ્રપતિ ભવન સુધી રેલવે લાઈન લંબાવવામાં આવી હતી. બાંધકામમાં લોખંડનો ઉપયોગ એડવિન્સને પોતાને ગમતો ન હતો પરિણામે મજબૂતી અને ટકાઉપણાનો આધાર પણ પથ્થરો જ હતા.
🏠 ૨૩,૦૦૦ કામદારો:-
૧૯૧૩માં શરૂ થયેલા બાંધકામને ૧૯૧૪માં બ્રેક વાગી, કેમ કે એ વર્ષે પહેલું વિશ્વયુદ્ધ ચાલુ થયું. યુદ્ધ પૂરું થયું એટલે ફરી બાંધકામ ચાલુ થયું. કુલ ૨૩ હજાર કામદારો મહેલાત ચણવાના કામમાં લાગેલા હતા. રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલનું નામ વારંવાર સમાચારોમાં ચમકતું હોય છે, કેમ કે પ્રધાનોની શપથવીધિ અને બીજા નાના-મોટા સમારોહ અહીં જ થતા હોય છે. આ હોલ રાષ્ટ્રપતિ ભવનનું સૌથી મોંઘું બાંધકામ છે. લંબચોરસ અશોક હોલની લંબાઈ ૧૦૫ ફીટ અને પહોળાઈ ૬૫ ફીટ હતી. એ હોલમાં પાથરેલી જાજમ ગૂંથવામાં અઢી વર્ષ લાગેલાં, કેમ કે આખા હોલમાં એક જ જાજામ બિછાવવાની હતી. પરિણામે જાજમનું ક્ષેત્રફળ ૬,૮૨૫ ચોરસ ફીટ થયું છે. એ હોલમાં એકસાથે ૪૦૦ વ્યક્તિ બેસી શકે એમ છે.
🏠 ૪ વર્ષનું કામ પૂરું થયું ૧૭ વર્ષે:-
ચાર વર્ષે પૂરું કરવાનું હતું એ ભવન છેક ૧૭ વર્ષે પૂરું થયું. ત્યાં સુધીમાં બાંધકામનું બજેટ બમણા કરતાં વધીને ૧.૪૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. આખું રાષ્ટ્રપતિ ભવન બંધાઈ ગયું ત્યાં સુધીમાં કુલ ૩૦ લાખ ઘન ફીટ પથ્થરો વપરાઈ ચૂક્યા હતા. એ પથ્થરોને નંગમાં ગણવા બેસીએ તો ૭૦ કરોડ પથ્થરો થાય. ૧૯૩૧ની ૨૩મી જાન્યુઆરીએ ભવનને વિધિવત્ રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારે તેનુુ નામ વાઈસરોય હાઉસ હતું. ૧૯૪૭માં તેનું નામ બદલી 'ગવર્નમેન્ટ હાઉસ' રાખવામાં આવ્યું અને ૧૯૫૧માં ફરીથી નામ બદલીને રાષ્ટ્રતિ ભવન રખાયું ત્યારથી એ ઈમારત એ નામે જ ઓળખાય છે.
🏠 મુઘલ ગાર્ડન ભવનનો બગીચો:-
રાષ્ટ્રપતિ ભવન સાથે જ રાષ્ટ્રપતિ ભવનનો બગીચો યાદ આવે. મુઘલ ગાર્ડન નામે જાણીતા આ બગીચાનો સમાવેશ એશિયાના શ્રેષ્ઠ ગાર્ડનોમાં થાય છે. મુઘલ ગાર્ડનનું નિર્માણ ઇસ્લામિક સ્થાપત્ય શૈલીમાં મુઘલ શાસનના સ્થાપક ઝહીર-ઉદ્દ-દીન મહંમદ બાબર દ્વારા કરવામાં આવ્યું હતું. મુઘલ ગાર્ડનમાં એક મુખ્ય ગાર્ડન અને બીજા ટેરસ, લોન્ગ અથવા પૂર્ધા, સર્ક્યુલર જેવા અનેક ગાર્ડનો આવેલા છે. ભારતનો નંબર વન બગીચો રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન ગણાય છે. ૧૫ એકરમાં ફેલાયેલો એ ગાર્ડન બનાવવા ૪૧૮ માળીઓ કામે લાગેલા છે.
🏠 ગાર્ડનમાં છે અર્જુન, ભીમ...
મુઘલ ગાર્ડનના ૨૫૦ પ્રકારનાં ગુલાબો તેની ખુશ્બૂ દ્વારા મહામહીમને લહેર કરાવે છે અને હા, ગુલાબોને રસપ્રદ નામો પણ આપવામાં આવ્યાં છે. જેમ કે મધર ટેરેસા, અર્જુન, ભીમ, રાજા રામમોહનરાય, જવાહર, ડો.બી.પી પાલ, જ્હોન એફ કેનેડી, ક્વીન એલિઝાબેથ, મિસ્ટર લિંકન.. વગેરે..
🏠 ગાર્ડનને જોવાની ઇચ્છા હોય તો...
ફૂલોને નિકટથી નિહાળવાની ઇચ્છા હોય તો મુઘલ ગાર્ડન દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચ માસ દરમિયાન જાહેર કરાયેલ તારીખ અને સમયે મુલાકાતીઓ માટે ખોલવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન સોમવારે અને કોઈ ફંક્શન કે વીવીઆઇપી મુલાકાત દરમિયાન પ્રવેશ આપવામાં આવતો નથી.
🏠 રાષ્ટ્રપતિ ભવનનું પર્યાવરણ સંરક્ષણ:-
⛲ પર્યાવરણ સંરક્ષણ હેતુથી રાષ્ટ્રપતિ ભવને 'રોશની' નામે પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં..
⛲ ગાઝિયાબાદના નેશનલ સેન્ટર ઓફ ઓર્ગેનિક ફાર્મિગ ઇન્સ્ટિટયૂટની મદદથી ૩,૮૪૦ સ્ક્વેર ફૂટના એરિયામાં નકામા કચરામાંથી ૯૬ વર્મી કોમ્પોસિસ્ટ બનાવાયાં છે અને હજી પણ વર્મી કોમ્પોસ્ટ બનાવીને વેસ્ટ મેનેજમેન્ટ કરવામાં આવે છે. 'રોશની' હેઠળ કુદરતી ગેસ અને વીજળીની બચત માટે બાયો-ગેસ મેકેનિઝમની વ્યવસ્થા છે.
⛲ રાષ્ટ્રપતિ ભવન તથા તેના બગીચાઓ અને ફૂલછોડની જાળવણી માટે રોજ લાખો લિટર પાણીની જરૂર પડે છે. વેડફાતા પાણીના રિસાઇકલિંગ માટે ૮.૯૬ કરોડના ખર્ચે અહીં ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવાયો છે. આ પ્લાન્ટમાં પ્રતિ દિવસ વીસ લાખ લિટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા છે. અહીં પાણીને રિસાઇકલ કરી તેનો બગીચાઓ માટે ઉપયોગ કરાય છે.
⛲ વિવિધ પ્રયાસો દ્વારા ભવને ઓગસ્ટ, ૨૦૦૬થી જૂન ૨૦૦૯ દરમિયાન કુલ ૨૮ લાખ કિલો વોટ પ્રતિ કલાક વીજળી બચાવી છે. તેનાથી રાષ્ટ્રપતિ ભવનની તિજોરીમાં લગભગ ૧ કરોડ ૮૪ લાખ રૂપિયાની બચત થઈ હતી.
⛲ ભવનમાં કેટલીય એવી છત છે જેનો વપરાશ થતો નથી. એ છતો પર એકઠું થતું પાણી ભેગું કરી તેને કૂવામાં સંગ્રહીત કરવામાં આવે છે. એનો પછી જરૂર પડયે વપરાશ થાય છે. પરિસરમાં બે કૂવા ઉપરાંત ચાર બોરવેલ પણ છે.
⛲ પ્લાસ્ટિક પ્રોડ્ક્ટ્સ અને ખાસ કરીને પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગ પર પરિસરમાં પ્રતિબંધ છે. ધારો કે તમે પ્લાસ્ટિક બેગ લઈને ભવન સુધી પહોંચી ગયા તો તેના બદલામાં પેપર બેગ લેવા માટે ફળિયામાં તેના આઉટલેટ પણ રાખવામાં આવ્યાં છે.
⛲ વૃક્ષોની સંખ્યા વધારવા અહીં વનમહોત્સવ પણ ઊજવાય છે. છેલ્લે આયોજિત વન મહોત્સવમાં ૧,૦૦૦ જેટલા છોડ રોપવામાં આવેલા.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment