📕 શિક્ષણ જગતનું રત્ન ડૉ. ઝાકિર હુસૈન 📕
📕 ડૉ. ઝાકિર હુસૈનના વડવા ઝાકિર હુસૈનના જન્મની ત્રણ સદી પહેલા અફગાનિસ્તાનથી ઉત્તરપ્રદેશના ફારુખાબાદમાં આવીને વસ્યાં હતા. તેમના પિતા ફિદા હુસૈન ખાં અત્યંત પ્રતિભાશાળી પઠાણ અને હૈદરાબાદ સ્ટેટના વકીલ હતા. પિતા નિઝામને ત્યાં ફરજ બજાવતા હોવાને કારણે ૮ ફેબ્રુઆરી ૧૮૯૭ના રોજ હૈદરાબાદ ખાતે જન્મેલા ઝાકિર હુસૈનનું પ્રાથમિક શિક્ષણ પણ હૈદરાબાદ ખાતે જ થયું હતું. પરંતું હુસૈન હજુ નવ વર્ષના થાય એટલામાં વર્ષ ૧૯૦૬માં તેમના પિતાનું અવસાન થતાં તેઓ સપરિવાર ફારુખાબાદના કાયમગંજ ખાતે પરત ફર્યા. પિતાની સરકારી નોકરીને કારણે ઝાકિર હુસૈનની આર્થિક હાલત ઘણી સદ્ધર કહી શકાય એવી હતી પરંતુ પાછળથી તેમની માતાએ સાત પુત્રોને ભણાવીને તેમનું ભરણપોષણ કરવાનું હોવાથી ઘરમાં નાણાંની થોડી ખેંચ રહેવા માંડી.
📕 હૈદરાબાદથી ઉત્તરપ્રદેશ સ્થળાંતર કર્યા બાદ તેમણે ઈટાવાની ઈસ્લામિયા હાઈસ્કૂલમાં શિક્ષણ લેવાનું શરૂ કર્યું. ડૉ હુસૈનના જીવન ઘડતરમાં તેમની માતાએ તો મહત્ત્વની ભૂમિકા ભજવી જ પરંતુ ઈસ્લામિયા હાઈસ્કૂલના શિક્ષણે પણ તેમના વ્યક્તિત્વના ઘડતરમાં ઘણો મહત્ત્વનો ફાળો ભજવ્યો. આ શાળાના રાષ્ટ્રવાદી શિક્ષકોએ ડૉ હુસૈનના મનમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવી અને જીવનમાં સૌથી પહેલી પ્રાથમિકતા આપણું રાષ્ટ્ર હોવું જોઈએ એવું તેમને શીખવવામાં આવ્યું. હાઈસ્કૂલના શિક્ષણ દરમિયાન તેમનામાં વાંચન અને જ્ઞાનભૂખ જાગી એટલે તેમણે વિવિધ પુસ્તકાલયોમાંથી વિશ્વ સાહિત્યના પુસ્તકો લાવીને વાંચવાનું શરૂ કર્યું. તો દેશ દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટે તેમણે નાનપણથી જ વિવિધ ભાષાના બે-ત્રણ અખબારો વાંચવાનું શરૂ કરી દીધેલું. આ દરમિયાન મૌલાના અબુલ કલામ દ્વારા સંપાદિત ‘અલહિલાલ’ અને મહોમ્મદ અલી દ્વારા ‘કોમરેડ’ નામના સામયિકોએ હુસૈન પર ઘણો પ્રભાવ પાડ્યો હતો. આ સામયિકો મુસ્લિમ સમાજમાં લોકક્રાંતિ આણવા તેમજ રાષ્ટ્રીય ચેતના જગાવવા માટે વિશેષરૂપે બહાર પાડવામાં આવતા.
📕 આ દરમિયાન વર્ષ ૧૯૧૧માં દેશમાં પ્લેગ ફાટી નિકળ્યો, જેમાં તેમણે તેમની માતાની છત્રછાયા પણ ગુમાવવી પડી. પરંતુ નાની ઉંમરે અનાથ બની ગયેલા ડૉ ઝાકિર હુસૈને તેમની અંગત દુખોને તેમના ભણતર અને જીવનની પ્રગતિને આડે નહીં આવવા દીધા. માતા-પિતા ગુમાવવાને કારણે સ્વભાવે અત્યંત લાગણીશીલ અને સંવેદનશીલ એવા હુસૈને તેમનું મન અત્યંત મક્કમ કર્યું અને ચાહે જીવનમાં કોઈ પણ પડકાર આવે, તો તેનો સામનો કરીને તેને જીવનમાં આગળ વધવાનો નિર્ધાર કર્યો! હાઈસ્કૂલના શિક્ષણ પછી તેઓ અલિગઢની પ્રખ્યાત એંગ્લો ઓરિયેન્ટલ કોલેજમાં વધુ અભ્યાસ માટે આવ્યાં, જ્યાં તેમણે ઈન્ટરમીડિયેટનો અભ્યાસ શરૂ કર્યો. અહીં ઉર્દૂના ખ્યાતનામ સાહિત્યકાર રસિદ અહેમદ સિદ્દીકી અને ઈકબાલ હુસૈન સાથે તેમનો સંપર્ક થયો, જેના કારણે તેમની સાહિત્ય અને શિક્ષણમાં વિશેષ રૂચિ ઘડાઈ. અલિગઢના શિક્ષણ દરમિયાન શાહ બાનુ બેગમ નામની સન્નારી સાથે તેમના લગ્ન પણ થયાં.
📕 અલિગઢમાં ડૉ હુસૈને બૌદ્ધિક સ્તરે ઘણી પ્રગતિ કરી, જ્યાં તેઓ યુનિવર્સિટીની તમામ વાદવિવાદ સ્પર્ધાઓમાં ભાગ લેતા. યુવાન વયથી તેમના ભાષણ આપવાની એવી સુંદર કળા હતી કે તેઓ વિદ્યાર્થી હોવા છતાં અલિગઢ યુનિવર્સિટીમાં તેમને વિવિધ વિષયો પર વક્તવ્યો આપવા માટે બોલાવાતા. આ ઉપરાંત ત્યાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓની તકલીફો તેમજ તેમની મુશ્કેલ પરિસ્થિતિમાં મદદ કરતા હોવાને કારણે અલિગઢ યુનિવર્સિટીમાં તેઓ વિદ્યાર્થી નેતા તરીકે પણ ઊભરી રહ્યા હતા. વર્ષ ૧૯૧૮માં તેમણે દર્શનશાસ્ત્ર, અંગ્રેજી અને અર્થશાસ્ત્ર સાથે બી.એની ડિગ્રી હાંસલ કરી. બી.એના અભ્યાસ પછી તેમણે અલિગઢમાં જ વકીલાતનો અભ્યાસ શરૂ કર્યો. આ ગાળામાં પહેલું વિશ્વ યુદ્ધ સમાપ્ત થયું હતું અને ખંધા અંગ્રેજો ભારતને આપેલું આઝાદીનું વચન ગળી ગયા હતા, જે કારણે દેશમાં અંગ્રેજો પ્રત્યે ભારે રોષની લાગણી પ્રવર્તી રહી હતી. તો બીજા વર્ષે કાયર જનરલ ડાયરે જલિયાંવાલા બાગમાં અનેક નિદોર્ષોને મોતને ઘાટ ઉતારી દીધા હતા, જેને લઈને દેશમાં અંગ્રેજો વિરુદ્ધની આગ વધુ ભભૂકી ઊઠી હતી.
📕 દેશનાં આવા કપરા સમયમાં અલિગઢ પણ અલિપ્ત રહી શક્યું ન હતું. એવામાં ગાંધીજી પણ અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીના મહેમાન બન્યાં હતાં. આથી હુસૈન પણ ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને રાષ્ટ્રવાદના રંગે રંગાયા. બીજી તરફ અંગ્રેજોએ ફેરવી તોળ્યું એના વિરોધમાં ગાંધીજીએ અસહકારની લડત શરૂ કરી, જેમાં અલિગઢના યુવાનોની આગેવાની યુવાન હુસૈને લીધી. અસહકાર આંદોલનને દેશભરમાં ભારે પ્રતિસાદ મળ્યો અને ગાંધીજીની એક હાંક પર દેશભરના લાખો યુવાનોએ તેમની સરકારી નોકરી અથવા ભણતર છોડી દીધા અને અંગ્રેજો વિરુદ્ધની અહિંસક લડતમાં જોતરાઈ ગયા. અસહકારની લડતના શરૂઆતનાં તબક્કામાં અલિગઢના યુવાનોનો થોડો મોળો પ્રતિસાદ સાંપડી રહ્યો હતો આથી ગાંધીજી અને અલિબંધુઓએ તેમને સમજાવ્યા અને યુવાનોને યોગ્ય ઉદાહરણ મળી રહે એ માટે ઝાકીર હુઝૈનને કંઈક કરવા કહ્યું. આ માટે ઝાકીર હુસૈને એક રસ્તો કાઢ્યો અને વિદ્યાર્થીઓની સભા બોલાવીને તેમને ચળવળમાં સામેલ થવા માટે એક પ્રભાવશાળી વક્તવ્ય આપ્યું અને મંચ પરથી જાહેરાત કરી કે ગાંધીજીની આજ્ઞા અનુસાર તેઓ પોતે પણ અસહકારની લડતમાં જોડાઈ રહ્યા છે! તેમના આ ભાષણની જાદુઈ અસર થઈ અને અલિગઢના ૩૦૦થી વધુ યુવાનોએ અસહકારની ચળવળમાં ભાગ લીધો.
📕 વકીલાતના અભ્યાસ સાથે તેમણે અલિગઢ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વર્ગો લેવાના પણ શરૂ કર્યા હતા. અધ્યાપક તરીકે કાર્યરત થયાં ત્યાર પછી તેઓ શિક્ષણ જગતમાં ઘણા સક્રિય રહ્યા અને વધુમાં વધુ મુસ્લિમ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવીને પ્રગતિ કરે એ દિશામાં કાર્યરત રહ્યા. આ માટે તેમણે અલિગઢ ઉપરાંત જામિયા મિલિયા વિદ્યાલયની પણ સ્થાપના કરી. આ વિદ્યાલયની સ્થાપના કરવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે ગરીબ મુસ્લિમ વિદ્યાર્થીઓને પણ શિક્ષણનો લાભ મળી રહે અને દેશના અનેક યુવાનોની સાથે તેમને પણ મુખ્યધારામાં ભળવાની તક મળે. સેંકડો વિદ્યાર્થીઓ માટે વિદ્યાલય ચલાવવું એ કંઈ ખાવાના ખેલ નથી હોતા કારણકે આ માટે હાથમાં લાખો રૂપિયાની રકમ હોવી પણ એટલી જ જરૂરી છે. આર્થિક મુશ્કેલીને કારણે જામિયા મિલ્લિયાનું સંચાલન કરવું અત્યંત કપરું હતું. પણ આર્થિક કારણોથી ગભરાઈને પોતાનું અધવચ્ચેથી પડતું મૂકે એ બીજા, ઝાકિર હુસૈન નહીં! આ માટે તેમણે ઉત્તરપ્રદેશના મુસ્લિમ મંધાઓ પાસે યથાશક્તિ દાનની હાંકલ કરી અને સતત પ્રવાસ અને મથામણ કરીને ભંડોળ ઊભુ કર્યું અને જામિયા મિલિયાને સતત ધબકતી રાખી. જામિયા મિલિયામાં તેમણે હંમેશાં એક વાતનું ધ્યાન રાખ્યું કે વિદ્યાલયમાં હંમેશાં રાષ્ટ્રવાદી વાતાવરણ જળવાયેલું રહે.
📕 આ સમયગાળો હતો વીસમી સદીના બીજા દાયકાનાં પ્રારંભનો સમયગાળો, જ્યારે દેશના વિદ્યાર્થીઓ તેમના વધુ અભ્યાસ માટે વિલાયત(ઈંગ્લેન્ડ) જતાં પરંતુ હુસૈન સાહેબે જર્મની જવાનું નક્કી કર્યું અને બર્લિન જઈને અર્થશાસ્ત્રમાં પીએચ.ડીનો અભ્યાસ શરૂ કર્યો. બર્લિનમાં તેઓ વર્ષ ૧૯૨૨થી ૧૯૨૬ સુધી એટલેકે ચાર વર્ષ સુધી રોકાયા હતા પરંતુ આ ચાર વર્ષો દરમિયાન તેમણે માત્ર અભ્યાસ જ નહીં પરંતુ ત્યાં બેઠા બેઠા જામિયા મિલિયાનું સંચાલન પણ કર્યું. આ વર્ષો દરમિયાન પણ જામિયા મિલિયામાં અનેક આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ અને ક્યારેક તો એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ કે આર્થિક કારણોસર વિદ્યાલયને બંધ કરવું પડે! પરંતુ તેમણે દૂર જર્મનીમાં બેઠા બેઠા પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને ગમે એમ કરીને તેમણે ભંડોળ ઊભુ કર્યું અને જામિયા મિલિયાને બચાવી લીધી. ઉલ્લેખનીય છે કે જામિયા મિલ્લિયાને ત્યારે યુનિવર્સિટીની માન્યતા પ્રાપ્ત થઈ ન હતી.
📕 વર્ષ ૧૯૨૬માં તેઓ પીએચ.ડી થઈને બર્લિનથી સ્વદેશ પાછા ફર્યા અને પોતાની તમામ શક્તિઓ શિક્ષણના કાર્યોમાં લગાડી દીધી. ભારત આવતા જ તેઓ જામિયા મિલિયાનું સ્થળાંતર કરીને તેને દિલ્હી લઈ ગયા. દિલ્હીમાં થોડા વર્ષો રહ્યા બાદ વર્ષ ૧૯૩૫માં તેઓ વિદ્યાલયનું સ્થળાંતર કરીને તેને ફરીથી અકોલા લઈ ગયા. અકોલામાં વિદ્યાલયના ભૂમિપૂજન સમારંભ વખતે દિલ્હી અને ઉત્તરપ્રદેશની અનેક મોટી હસ્તીઓ ત્યાં હાજર રહી હતી, જ્યાં ઝાકિર હુસૈને વિદ્યાલયનું ભૂમિપૂજન એક ગરીબ વિદ્યાર્થી પાસે કરાવ્યું હતું. ભારત આવ્યાં પછી તેઓ માત્ર એક-બે સંસ્થાઓ પૂરતા જ સીમિત રહ્યા ન હતા, બલ્કે તેઓ દેશ અને ઉત્તર ભારતની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયા અને વિદ્યાર્થીઓના યોગ્ય ઘડતર માટે યોગ્ય શિક્ષણ વ્યવસ્થા, મૂલ્યાનુગત અભ્યાસક્રમ અને વિવિધ શિક્ષણ સંબંધિત યોજનાઓ ઘડીને તેનો અમલ પણ કરતા રહ્યા.
📕 ડૉ ઝાકિર હુસૈની રાહબરી હેઠળ આઝાદી પછી પણ જામિયા મિલિયા ઉત્તરોઉત્તર પ્રગતિ કરતી રહી. પણ બીજી તરફ અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી સમય સાથે કદમ મિલાવવામાં નિષ્ફળ જઈ રહી હતી. અલિગઢ યુનિવર્સિટીની પડતી પાછળનું એક કારણ એ પણ હતું કે અલિગઢના કેટલાક અધ્યાપકોએ વિભાજન વખતે પાકિસ્તાનની વાટ પકડી હતી. આ ઉપરાંત અહીં કેટલાક અસામાજિક તત્ત્વો પણ પગપેસારો કરી દીધો હતો, જેના કારણે અલિગઢ યુનિવર્સિટીની કાર્યપ્રણાલી ધીમે ધીમે ખોટકાઈ રહી હતી. દેશની ખ્યાતનામ યુનિવર્સિટી શિક્ષણના ક્ષેત્રમાં દેવાળુ ફૂંફી રહી હોય તો સ્વાભાવિક છે કે દેશના ટોચના નેતાઓને યુનિવર્સિટી અને શિક્ષણ એમ બંનેની ચિંતા થાય. તે સમયે પંડિત જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન હતા તો મૌલાના અબુલ કલામ આઝાદ દેશના કેન્દ્રિય શિક્ષણમંત્રી હતા. આ બે નેતાઓએ ડૉ ઝાકિર હુસૈનને અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીની કમાન સોંપવાનું નક્કી કર્યું પરંતુ હુસૈન સાહેબે વડાપ્રધાન અને કેન્દ્રિય શિક્ષણ મંત્રી પાસે શરત રાખી કે તેમને યુનિવર્સિટીના સત્તાવાર વાઈસ ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવે તો જ તેઓ અલિગઢ જાય! જોકે વડાપ્રધાનને આ શિક્ષણશાસ્ત્રી પર પૂરો ભરોસો હતો એટલે તેમણે હુસૈન સાહેબની ઈચ્છા મુજબ તેમને અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિયુક્ત કર્યા. ત્યાર પછી આજની ઘડી ને કાલનો દહાહો, અલિગઢ યુનિવર્સિટીએ ક્યારેય પાછું વળીને નથી જોયુ!
📕 શિક્ષણના ક્ષેત્રમાં તેમના પ્રદાનને પગલે વર્ષ ૧૯૫૨માં તેમને રાજ્યસભાના સાંસદ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજ્યસભામાં આવતા જ તેમણે તેમને મળેલી સત્તાનો સદઉપયોગ કરવાનું શરૂ કર્યું અને સંસદમાં દેશના શિક્ષણને લગતા અનેક પ્રશ્નો તેમજ સમસ્યાને હલ કર્યા અને શિક્ષણને ઉપયોગી અનેક વિધેયકો પસાર કરાવ્યાં. તેમની કર્તવ્ય નિષ્ઠાને ધ્યાનમાં રાખતા વર્ષ ૧૯૬૨માં ઝાકીર હુસૈનને દેશના ઉપરાષ્ટ્રપતિ બનાવાયા તો વર્ષ ૧૯૬૭માં તેમની દેશના રાષ્ટ્રપતિ તરીકે પસંદગી થઈ. આ ઘટનાએ ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે એનો પુરાવો પણ આપ્યો, કારણ કે ડૉ ઝાકીર હુસૈન દેશના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ બન્યા હતા!
📕 શિક્ષણ ઉપરાંત ડૉ ઝાકીર હુસૈનને લેખન અને વાંચનનો પણ ઘણો શોખ હતો. તેમણે રશિયા અને વિદેશના કેટલાક મહાન પુસ્તકોનો ઉર્દૂ અનુવાદ પણ કર્યો હતો. આ ઉપરાંત તેમણે બાળ સાહિત્યનું પણ મોટાપાયે સર્જન કર્યું હતું. તેઓ રાષ્ટ્રપતિ બન્યાં એ પહેલા વર્ષ ૧૯૬૩માં શિક્ષણના ક્ષેત્રમાં અનન્ય પ્રદાન આપવા બદલ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનવામાં આવ્યા હતા.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.


No comments:
Post a Comment