🎪 ખોડિયાર માતાજીનું માટેલ મંદિર 🎪
🎪 ખોડિયાર માતાજીનું માટેલ મંદિર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ જિલ્લાનાં વાંકાનેર તાલુકાનાં માટેલ ગામે આવેલ છે. આ ગામ વાંકાનેરથી આશરે ૧૭ કિ.મી.એ આવેલું છે. અહીં ઊંચી ભેખડો ઉપર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. જે ઢોળાવ ચડીને મંદિરમાં જવાય છે. અહીં જે જુનું સ્થાનક છે, તેમાં ચાર મુર્તિઓ છે. આ પ્રતિમાઓ આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની છે. તેમાં શ્રી ખોડિયાર માતાજીની મુર્તિ ઉપર સોના-ચાંદીનાં છત્ર (સતર) ઝુમે છે. તેમ જ માતાજીને ચુંદડી ચડાવેલ હોય છે. આ મંદીરની બાજુમાં જ નવું મંદિર બનેલું છે. તેમાં ખોડિયાર માતાજીની આરસની સુંદર મુર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં એક પીલુડીનું વૃક્ષ આવેલું છે. તેની નીચે ખોડિયાર માતાજીનાં બહેન એવા જોગડ, તોગડ અને સાંસાઈનાં પાળીયા ઉભા છે.
🎪 આ મંદિરની સામે નદીમાં એક ઊંડો પાણીનો ઘુનો આવેલો છે. જે માટેલીયા ધરા તરીકે ઓળખાય છે. આ મીઠા પાણીનાં ધરામાં ઉનાળામાં પણ પાણી ખુટતું નથી. આખુ માતેલ ગામ આ ધરાનું જ પાણી પીવે છે. હાલ પણ આ ધરાનાં પાણીને ગરણામાં ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે. આ ધરાની થોડો આગળ એક નાનો પાણીનો ધરો આવેલો છે. તેને ભાણેજિયો ધરો કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ધરામાં ખોડિયાર માતાજીનું જુનું સોનાનું મંદિર આવેલું છે. જેને જોવા માટે બાદશાહે નવસો નવાણુ કોસ(પાણી ખેંચવાનું સાધન) ધરે મંડાવ્યા હતાં. ત્યારે ધરાનું પાણી કોસ દ્વારા ખેંચી લેવાતાં, ધરામાં રહેલ મંદિરની ઉપરનું સોનાનું ઇંડુ જોવા મળ્યું હતું. કહેવાય છે કે ત્યારે ખોડિયાર માતાજીએ ભાણેજિયાને (પાણીનો હોંકરો)ને બોલાવ્યો અને તેમાં એટલું બધું પાણી આવેલ કે ધરે મંડાયેલ નવસો નવાણુ કોસને તાણીને ફરીથી ધરો પાણીથી ભરી દીધેલ. આમ માતાજીએ સત દેખાડીને પરચો પુર્યો હતો. આ વાતનો ઉલ્લેખ, ખોડિયાર માતાજીનાં ગળધરેથી માજી નિસર્યા ગરબામાં જોવા મળે છે. અહીં મંદિર પાસે અનેક દુકાનો આવેલી છે. જે દુકાનો અહીંનાં ગામનાં લોકોનું આજીવિકાનું એક સાધન બની રહી છે.
🎪 હાલ, અહીં માટેલ તિર્થધામ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત છે. જે માટેલ ખોડિયાર માતાજીએ દર્શને આવતા યાત્રિકોને સારી એવી સગવડ પુરી પાડે છે. અહીં તેઓએ મોટી ધર્મશાળાઓ બંધાવેલ છે. જેથી અહીં રાત્રિ રોકાણ માટે ખુબ જ સુંદર સગવડ વિના મુલ્યે ઉપલબ્ધ છે. આ મંદિરે વર્ષ દરમિયાન લોકો ખુબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. ઘણા લોકો દુર દુરથી માતાજીની પગપાળા માનતા ચડાવવા પણ આવે છે. અહીં માતાજીની લાપસી નો પ્રસાદ ધરવામાં આવે છે. તેમ જ આ મંદિરે અન્નક્ષેત્ર પણ કાર્યરત છે, જેમાં દરેક માણસોને વિનામુલ્યે ત્રણેય ટાઈમ જમવાનું (પ્રસાદ) આપવામાં આવે છે. જેમાં લાપસી, શાક, રોટલી, દાળ અને ભાત પ્રસાદ તરીકે પિરસવામાં આવે છે. અહીં આવવા માટે એસ.ટી બસ તેમજ પ્રાઈવેટ વાહન દ્વારા આવી શકાય છે. તેમજ વાંકાનેર સુધી ટ્રેન પણ આવે છે.
🎪 મંદિરનાં મુખ્ય આકર્ષણો:- વરખડીના ઝાડ નીચે આવેલું માતાજીનું મંદિર મુખ્ય આકર્ષણ છે. અહીં એક ત્રિશૂલ દર વર્ષે એક ઈંચ જેટલું વધતું હોવાની પણ માન્યતા છે. આ ઉપરાંત માટેલ ગામમાં મંદિરમાં પ્રવેશ થતાં પહેલા માટેલ ધરો આવે છે. ભક્તો દર્શન બાદ ધરાનું પાણી માથે ચડાવવાનું પણ નથી ભૂલતા. માટેલિયા ધરામાં ભરઉનાળામાં પણ પાણી ખૂટતું નથી. પાણીને ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે. લોકવાયકા મુજબ ધરામાં મોતાજીનું સોનાનું મંદિર પણ આવેલું છે.
🎪 નિર્માણ:- લોકવાયકા મુજબ ખોડિયાર માતાજીનું મંદિર 1200 વર્ષ જૂનું છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલું ખોડિયાર માતાજીનું મંદિર માઇભક્તોમાં શ્રદ્ધાની જ્યોત જલાવી રહ્યું છે. ગુજરાતમાં ખોડિયાર માતાજીનાં મુખ્ય ત્રણ મંદિરો છે. જેમાં ધારી પાસે ગળધરા, ભાવનગર પાસે રાજપરા અને વાંકાનેર પાસે માટેલ ગામે આવેલાં છે. ત્રણેય મંદિર પાણીના ધરાની બાજુમાં આવેલા છે.
🎪 માટેલમાં ઊંચી ભેખડ પર વરખડીના ઝાડ નીચે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. થોડોક ઢોળાવ ચડીને મંદિરે જવાય છે. મંદિરમાં માતાજીનાં બે સ્થાનક છે. જૂના સ્થાનકમાં ખોડિયાર માતાજીની મૂર્તિ ઉપર સોના-ચાંદીના છત્ર ઝૂમે છે. બાજુમાં ખોડિયાર માતાજીની આરસ પથ્થરની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં ભક્તો ચાંદલો અને ચૂંદડી અર્પણ કરે છે.
🎪 આરતીનો સમય:-
👉 મંગળા આરતી- સવારે 5.30 વાગ્યે,
👉 સંધ્યા આરતી- સાંજે 7 વાગ્યે (સંધ્યા સમયે)
🙏 દર્શનનો સમય:- સવારના 5.30 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી
🚍 કેવી રીતે પહોંચવું:-
🚌 જમીન માર્ગ: મોરબી જિલ્લાના વાંકાનેરથી 17 કિલોમિટર દૂર માટેલ આવેલું છે. અમદાવાદથી માટેલ બે રસ્તાથી જઈ શકાય છે. અમદાવાદથી વાયા ચોટીલા-બામણબોર-વાંકાનેર થઈને માટેલ પહોંચી શકાય છે (197 કિમી). જ્યારે બીજો રસ્તો અમદાવાદથી વાયા વીરમગામ-હળવદ-વાંકાનેર થઈને માટેલ પહોંચી શકાય છે (224 કિમી.) .
દક્ષિણ ગુજરાતથી માટેલ જવું હોય તો વડોદરા થઈને વાયા બગોદરા-ચોટીલા થઈને માટેલ પહોંચી શકાય છે. સૌરાષ્ટ્રમાં રાજકોટથી વાયા વાંકાનેર થઈને માટેલ પહોંચી શકાય છે (77 કિમી). વાંકાનેરથી માટેલ જવા એસટી બસ પણ મળે છે.
🚆 નજીકનું રેલવે સ્ટેશન: માટેલનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન વાંકાનેર છે. જ્યાંથી માટેલ રોડ રસ્તે 17 કિલોમિટર દૂર છે.
✈ નજીકનું એરપોર્ટ: માટેલથી સૌથી નજીક રાજકોટ એરપોર્ટ છે. જ્યાંથી માટેલ 77 કિલોમીટર દૂર છે.
🎪 નજીકનાં મંદિરો:-
1). રફાળેશ્વર મહાદેવ મંદિર 15 કિમી.
2). ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર, તરણેતર 33 કિમી.
3) ચામુંડા માતાજી મંદિર ચોટિલા, 57 કિમી.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.




No comments:
Post a Comment