📕 સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કવિ કલાપી) 📕
📕ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, ‘કલાપી’ (૨૬મી જાન્યુઆરી ૧૮૭૪, જૂન ૯ ૧૯૦૦) નો જન્મ લાઠી (જિ. અમરેલી)ના રાજકુટુંબમાં થયો હતો. ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટોને કૌટુંબિક કલહને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ આગળ અટક્યું. દરમિયાન ૧૮૮૯ માં રોહા (કચ્છ)નાં રાજબા (રમા) તથા કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન થયા. પિતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા એમને ૧૮૯૫ માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું. રમા સાથે આવેલી ખવાસ જાતિની દાસી મોંઘી (પછીથી શોભના) પર ઢળેલી વત્સલતા, અને એને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી અને એમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને અંતે એમણે ૧૮૯૮માં શોભના સાથે લગ્ન કર્યું. ઋજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ કવિ પ્રાપ્ત રાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા. છેવટે ગાદીત્યાગનો દૃઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું.
📕 ઘણું ઓછું ઔપચારિક શિક્ષણ પામેલા કલાપીએ અંગત શિક્ષકો રોકી અંગ્રેજી-સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું, ફારસી-ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યનની રુચિ કેળવી. ગુજરાતી તથા ઈતર ભાષાઓના સાહિત્યગ્રંથોના વાચને તેમ જ વાજસૂરવાળા, મણિલાલ, કાન્ત, ગોવર્ધનરામ, ન્હાનાલાલ, સંચિત વગેરેના સંપર્કે એમની સાહિત્યિક દ્રષ્ટિ અને સજ્જતા કેળવવામાં યોગદાન કર્યું હતું.
📍 જન્મ તારીખ : 01/26/1874
📍 જન્મ સ્થળ : લાઠી - જિ. અમરેલી
📍 મૃત્યુ તારીખ : 06/09/1900
📍 મૃત્યુ સ્થળ : લાઠી - જિ. અમરેલી
📍 અભ્યાસ : ૧૮૮૨-૧૮૯૦ રાજકુમાર કોલેજ, રાજકોટમાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી
📍 અંગત શિક્ષકો પાસે સંસ્કૃત, ઉર્દૂ, ફારસી સાહિત્યનો અભ્યાસ
📕 જીવન ઝરમર:-
👉 ૨૧ વર્ષની વયે રાજ્યાભિષેક ( ૨૧મી જાન્યુઆરી ૧૮૯૫)
👉 નાનપણથી જ લાગણીપ્રધાન, સાહિત્ય અને કુદરતી સૌંદર્યનો ઘણો શોખ અને આદર્શ રાજવી બનવાની ઇચ્છા
👉 માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખતા અને માતાના મૃત્યુ બાદ રમાબા પ્રત્યે પણ તેવો જ પ્રેમ રાખતા
👉 આનંદીબા પ્રત્યે કદી પ્રેમ રાખી શક્યા નહીં પરંતુ પતિ તરીકેની બધી ફરજો અદા કરી
👉 રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં ૨૦ વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો
👉 શોભના સાથેના પ્રણયને કારણે રાજખટપટ અને ગાદીત્યાગનો વિચાર
👉 વરિષ્ઠ સાહિત્યકારોની સાથે મિત્રતા
👉 સ્વીડનબોર્ગના વિચારોની ઊંડી અસર
👉 ૧૬ થી ૨૬ વર્ષની ઉંમરનાં ૧૦ વર્ષના ગાળામાં જ ૫૦૦થી વધુ વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરેલો અને ૨૫૦ થી ઉપર ગુજરાતી સાહિત્યના ઘરેણા જેવી રચનાઓ કરેલી. (કાવ્યસર્જન ૧૮૯૨થી શરૂ થયેલ)
👉 મહત્તમ કાવ્યો, પ્રણયતમ અને પ્રણયમંથન જેવા; ઘણાં કાવ્યો દ્વિઅર્થી અને પરમાત્માને સંબોધીને પણ લખેલા; કાવ્યોમાં વિષયોનું વૈવિધ્ય અને હૃદયના ભાવો રહેલા છે; પત્ર-સાહિત્યમાં પણ ઘણું ચિંતન સમૃધ્ધ કર્યું છે;
👉 મિત્રો અને સંબંધીઓને લખેલા તેમના પત્રો પણ તેમની માનવતાને મઘમઘાવે છે.
👉 ૨૬ વર્ષની યુવાન ઉંમરે મૃત્યુ.
📕 પુસ્તક:-
👉 કાવ્યસંગ્રહ : કલાપીનો કેકારવ
👉 પ્રવાસ લેખન સંગ્રહ : કાશ્મીરનો પ્રવાસ
🏆 સન્માન:-
👉 ‘રાજવી કવિ કલાપી’ નામનું એમનાં જીવન વિશેનું પુસ્તક.
👉 એમના નામથી આઈ.એન.ટી નો ‘કલાપી એવોર્ડ' - ગઝલ માટે.
👉 ૧૯૬૬માં ગુજરાતી ચલચિત્ર ‘કલાપી’ બનાવાયું જેમાં અભિનેતા સંજીવ કુમારે કલાપીની ભૂમિકા ભજવેલી.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment