🏠 લોથલ : હડ્ડપન સંસ્કૃતિનું બંદર 🏠
🏠 ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુના પાટનગર અમદાવાદથી દક્ષિણ-પશ્વિમે ૮૦ કિલોમીટર જેટલા અંતરે અમદાવાદ જિલ્લામાં આવેલા ભાલ વિસ્તારમાં આવેલા લોથલની શોધ ઇ. સ. ૧૯૫૪ ના નવેમ્બર માસમાં કરવામાં આવી હતી. લોથલ શબ્દનો અર્થ મૃત્યુ પામેલા થાય છે. લોથલ કેન્દ્ર સરકાર દ્રારા રક્ષિત અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી પ્રાચીન જગ્યા છે. લોથલ ખૂબજ જૂની સંસ્કૃતિનું સ્થળ મનાય છે. જેનો સમય ઇ.સ.પૂર્વે ૨૪૫૦થી ૧૯૦૦ સુધીનો માનવામાં આવે છે. માનવામાં આવે છે કે લોથલમાં માનવ વસ્તીનો પહેલવહેલો વસવાટ થયો હતો. તેમજ ઇ.સ. પૂર્વે ૨૩૫૦માં કુદરતી હોનારતને કારણે તમામ ઘરો આવાસો નાશ પામ્યા. બાદમાં ફરી એકવાર ઊંચા ટેકરા પર નગરનું આયોજન કરવામાં આવ્યું. લોથલમાં સુઆયોજિત નગર-વ્યવસ્થા હતી તે અહીંથી મળેલા વિવિધ અવશેષો જોઇ માલુમ પડે છે. તે સમયે મકાનો પણ વિશાળ હતા. સુવ્યવસ્થિત બજારો, રસ્તાઓ, ગટર વ્યવસ્થા, તે સમયના લોકોની સુઝબુઝનો પરિચય આપે છે. ખાસ કરીને અહીંના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા હતા.
🏠 લોથલનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામાંકન કરવામાં આવ્યું છે. લોથલના પૂરાતત્ત્વી અવશેષો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાલા ગામ પાસે બે કિલોમીટર દૂર આજે પણ ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરતા ઉપલબ્ધ છે. આ સ્થળનું ઉત્ખલન પ્રો.એસ.આર.રાવના નેતૃત્ત્વ હેઠળ ઈ.સ.૧૯૫૫-૬૨ દરમિયાન થયેલું. જેમાં આશરે ઈ.સ. પૂર્વે ૨૫૦૦-૧૯૦૦ વર્ષાની હડ્ડપન સંસ્કૃતિના આ લોથલ બંદર ગામના અવશેષો મળેલા.
🏠 આમાં કોટ એટલે કિલ્લો અને નગર એમ બંને હતાં એમ જણાય છે. આ એક બંદર હોવાથી પશ્ચિમ દિશાના પાણીના મારાથી બચવા ૧૩ મીટર ઊંચી દીવાલો પણ ચણવામાં આવેલી એવું ભાસે છે. ૩ મીટર ઊંચા ચણતર ઉપર મકાનો બનેલા. આ અવશેષી શહેરમાં લોકોની સઘળી જરૂરિયાતો હતી તેવું જણાય છે જેમ કે પાકી ઈંટથી બનેલા ઘરો, સ્નાનાગાર, કૂવાઓ, વ્યાપારી ક્ષેત્રના મકાનો, પાણી નિકાલની વ્યવસ્થા તો રાજકીય વહીવટ કરનારા મકાનો અને વ્યાપારીઓના મકાનો અલગ અલગ વિસ્તારમાં હોવાનો આભાસ થાય છે. કિલ્લાની બાજુએ શ્રીમંતોના મકાનો હતાં.
🏠 બંદરની ગોદીને પાણીના મારાથી બચાવવા ખાસ મોટી પાકી ઈંટથી બનાવેલી દીવાલ જોવા મળે છે. તેનો આકાર ૨૧૪ટ૩૬ ચો.મીટર જણાય છે. વળી કિલ્લાની પશ્ચિમે અને દક્ષિણે માલગોદામ બાંધવામાં આવેલા જણાય છે. જે ૩.૫ મીટરના ઊંચા ચણતર ઉપર ૪૯ટ૪૦ ચો.મીટરના માપના હોવાનું જણાયું છે. જો કે ત્યારે ફૂટ પણ નહીં હોય કંઈ માપવા. વળી આ બંદરીય શહેરમાં આજુબાજુના વિસ્તારમાં કપાસ અને ચોખાનું પણ ઉત્પાદન કરવામાં આવતું તો એરિંગમાળા વિ.માં વપરાતા રંગબેરંગી મણકા બનાવવાનો ઉદ્યોગ વિકસેલો હતો.
🏠 જ્યાં લોકોના વસવાટના મકાનો હતાં ત્યાં પશ્ચિમ બાજુ એક નદી વહેતી હતી. જે મારફતે ખંભાતની ખાડી તરફ જઈ શકાતું હતું. જો કે આજે બંદર અને નદી બંને કાળક્રમે કાળની થપાટ ખાતાં પુરાઈ ગયા છે. તેમજ સમગ્ર શહેર વર્ષાના વર્ષા પહેલાં કુદરતી આફતોને હિસાબે લુપ્ત થઈ ગયું છે. આ અવશેષો લોથલ એ જમાનામાં આ વિસ્તારનું ધમધમતું બંદર હતું જેનો વ્યવહાર પશ્ચિમ એશિયાના પ્રદેશોમાં હતો જેમાં અર્ધ કીંમતી પથ્થરો, મણકાઓ, તાંબું, હાથીદાંત, શંખ અને કપાસનો વેપાર હતો. આ સર્વેની સાક્ષી તરીકે ફારસ ખાડીની મુદ્રાઓ, ગોરીલ્લા, અને મમીની મૃણમૂર્તિઓ દર્શાવે છે. લોથલને બહારની આવી જગ્યાઓ સાથે વ્યાપારી સંબંધો હતો.
🏠 અભ્યાસ અને અવશેષો ઉપરથી એવું પ્રતિપાદીત થાય છે કે આ નંગરના વિનાશની શરૂઆત ઈ.સ. પૂર્વે ૧૯૦૦ શરૂ થયેલી જેમાં અવારનવારના પૂર જવાબદાર હતાં. આથી ઈ.પૂર્વ ૧૭૦૦ સુધીમાં લોકોએ આ શહેરનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો હતો અને એ લુપ્ત થવા માંડયું હતું. નદી અને ખંભાતની ખાડીથી સાગર ખેડાતો. અહીં અવશેષોનું લોથલ વિશેનું એક સંગ્રહાલય છે. આમાંથી ફલિત થાય છે કે શોધી કઢાયેલ હડ્ડપન સંસ્કૃતિના અનેક શહેરોમાં લોથલ સૌથી મુખ્ય શહેર હતું. આ સંગ્રહાલયની સ્થાપના ઈ.સ.૧૯૭૬માં કરવામાં આવેલી અહીં ત્રણ વિભાગો છે જેમ કે લોથલની સંભવિત કલાકૃતિ, બીજામાં મણકાઓ તેની બનાવટો, માટીના વાસણો સાધનો, આભૂષણો, માનવચિત્રો છે. આ સર્વે હાથી દાંત-તાંબુ, કાંસા, વિ.માંથી બનેલ ભાસે છે. શંખ પણ છે. ત્રીજામાં માટીના રમકડાં, પશુઓના નમૂનાઓ, નાનીનાની મૂર્તિઓ ઈંટ વિ. જોવા મળે છે. જે એ સમયે ઉપલબ્ધ હતાં. શુક્રવારે બંધ રહે છે.
🏠 લોથલ ટીંબો ક્યાં આવ્યો એની માહિતી: -
હડપ્પાના ઉત્તર-સમકાલનો લોથલનો ટીંબો હાલની સાબરમતી અને ભોગાવાના સંગમ નજીક, કાંપવાળા સપાટ મેદાનમાં જ્યાં ઘઉં અને કપાસ ખૂબ થાય છે તેવા દરિયાઈ દોઆબ પ્રદેશમાં છે. જ્યાં સાબરમતી અને ભોગાવો એ બંને નદીઓ દરિયાને મળે છે તેવા આ બંદરીય સ્થળે દરિયાઈ ખેડ કરનારા હડપ્પીય લોકોને આકર્ષ્યા હતા અને એઓએ આ સ્થાને આવી, ગ્રામ વસાવી બંદર બાંધેલું, જે સ્થળ-સ્થાન હાલમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામની સીમમાં, ખંભાતના અખાતની પાસે એટલે કે ઉત્તરે સોળેક કિ.મી. અંદર અમદાવાદ-બોટાદ-રેલવે લાઈન ઉપર લોથલ–ભૂરખી સ્ટેશનેથી અને સ્ટેશન પાસેના ગામ ગૂંદીથી દક્ષિણ તરફ પાંચ કિ.મી. અને લક્ષ્મીપુરા ગામથી એક કિ.મી. દૂર આવેલું છે.
🏠 લોથલનું ખોદકામ ક્યારે આરંભાયું - એનાં વિસ્તાર તથા માપ:-
૧૯૫૪ના નવેમ્બર માસમાં લોથલની ટીંબો શોધી કાઢવામાં આવ્યો ત્યારે એ લગભગ ૧૯૦૦ ફૂટ એટલે કે અડધો માઈલ લાંબો, ૧૦૦૦ ફૂટ એટલે કે ૧/૪ માઈલ પહોળો અને બાવીસ ફૂટ ઊંચો મળી આવેલો અને એના ઉપર ૧૯૫૪ની શરૂઆતમાં ખોદકામ શરૂ કરેલું, જે સતત સાત વર્ષ સુધી, બાદમાં જરૂરતે બીજાં ત્રણ વર્ષ, એમ કુલ દસ વર્ષ સુધી ચાલેલું. ત્યારે એવું નિર્ણીત થયેલું કે લોથલ બે કિ.મી. ના પરિઘમાં વસેલું હતું જ, જે સૌ પ્રથમ નાના ગામડા જેવું હતું, પરંતુ એનો વિકાસ સધાતાં એ નગર બની ગયેલું.
🏠 ખોદકામના પ્રારંભમાં સૌ-પ્રથમ સપાટીની પદ્ધતિથી ખોદેલા એક ખાડામાંથી સૌ પ્રથમ સેલખડીની એક ‘ચકલી’ની મુદ્રા પ્રાપ્ત થયેલી. લોથલ વસાહતની પાંચ અવસ્થાઓને, જેમાંથી ચાર અવસ્થાઓને લોથલ ‘અ તરીકે અને પાંચમી અવસ્થાને એટલે કે પાછળથી મોડી આવીને એની ઉપર જ વસેલી વસાહતને લોથલ ‘બ’ તરીકે એમ બે વિભાગમાં વહેંચી નાખવામાં આવી છે. પ્રથમ કાલ લોથલ ‘અ’નો સમય ઈ.સ. પૂર્વે ૨૪૦૦થી ૧૯૦૦નો છે અને ‘બ’નો સમય ઈ.સ. પૂર્વે ૧૯૦૦થી ૧૬૦૦નો છે. આ પાછલો અંત સમયનો છે.
🏠 મોટા પૂરથી લોથલનો નાશ થયેલો:-
અવારનવાર ત્યાં પૂર આવતાં રહેતાં હતાં અને એ કારણે સ્થાનથી ધીરે ધીરે પડતી થવા લાગેલી. એમાંય વળી ઈ.સ. પૂર્વે ૧૯૦૦માં ત્યાં આવેલા સૌથી મોટા અને છેલ્લા પૂરે એનો સદંતર નાશ કરેલો. વળી પાછા લોકોએ ત્યાં આવી પુન: આ સ્થળે વસવાટ શરૂ કરી લાંબા સમય સુધી નિવાસ કરેલો, પરંતુ એઓ નબળી પરિસ્થિતિમાં જ રહેલા હતા.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.



No comments:
Post a Comment