👦 આપણી સંસ્કૃતિનું રત્ન નચિકેતા 👦
👦 નચિકેતાની વાત પણ વેદકાલીન છે. વાજશ્રવાસ નામના એક ઋષિ હતા. તેઓ તપ સ્વાધ્યાય- નિરત અને અયાચક વૃતિ થી જીવનારા હતા. તેમને નચિકેતા નામનો એક પુત્ર હતો. જીવનના છેલ્લા પગથીયે બેઠેલા આ ઋષિ નું જીવન આખું સંસ્કૃતિ માટે પસાર કર્યું હતું.
👦 બાળપણથી જ કુશાગ્ર બુદ્ધિશાળી. ક્યારેય કોઈની વાતે દોરવાય નહીં. બાળપણથી જ અનેક ગ્રંથોનો અભ્યાસ કરતો. સાચી વાત માટે ગમે તેની સાથે ઝઘડી પડતો. તેને ખોટું લગારે ગમે નહીં. તે હંમેશા નીતિ અને ન્યાયને પડખે ઊભો રહેતો. એકવાર તેના પિતાજીએ યજ્ઞ કર્યો. યજ્ઞ નિમિત્તે તેમણે બ્રાાહ્મણોને બોલાવ્યા. યજ્ઞની પૂર્ણાહુતિ વખતે તેમણે ગાયોનું દાન કર્યું, પરંતુ આ બધી ગાયો વસૂકી ગયેલી અને ઘરડી હતી. આ જોઈ પુત્ર નચિકેતાને ખૂબ દુ:ખ થયું.
👦 ઘરડી અને દૂબળી ગાયો દાનમાં આપી દેવી એ તો નર્યો દંભ જ કહેવાય. આને સાચું દાન કહેવાય નહીં. નચિકેતાના બાળહૃદયને આઘાત લાગ્યો. તે પહોંચ્યો પોતાના પિતા પાસે અને કહ્યું, "પિતાજી, આ ઘરડી અને લૂલી-લંગડી ગાયો તમે દાનમાં આપીને મોટો અધર્મ કર્યો છે. એના કરતાં મને જ દાનમાં આપી દેવો હતો ને ? હું તો બ્રાહ્મણોના કંઈક કામમાં આવતને!
👦 પિતા ગુસ્સાથી સમસમી ગયા. તેમણે ક્રોધના આવેશમાં આવીને કહ્યું, "જા આજથી તને હું મૃત્યુના દેવ યમદેવને દાનમાં અર્પણ કરું છું. પિતાજી આટલા બધા ગુસ્સે થશે એવું તો તેણે વિચાર્યું પણ નહોતું. તેને તો માત્ર સાચી હકીકતનું ધ્યાન દોરવું હતું. ઊલટો તેમણે તો મને મૃત્યુદેવને શરણે ધરી દીધો.
👦 નચિકેતા સત્યપ્રેમી તો હતો જ પણ સાથે આજ્ઞાંકિત પણ હતો. તેણે વિચાર્યું કે ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. હવે મારે અહીં રહીને જીવવાનો કોઈ અધિકાર નથી. હું તો મૃત્યુને અર્પણ થયેલો છું. મારે તો યમદેવની પાસે જવું જોઈએ. એક પણ ઘડીનો વિચાર કર્યા વિના તે મૃત્યુને ભેટવા યમદેવના દ્વારે આવીને ઊભો રહ્યો. યમદેવના દ્વારપાળોએ તેને રોક્યો અને અહીં આવવાનું કારણ પૂછ્યું. તેણે કહ્યું, "મારે યમદેવતાને મળવું છે. યમદેવતા ઘરે નહોતા. દ્વારપાળોએ તેને ઘરે પાછા જવા વિનંતી કરી. પરંતુ એમ પાછો જાય તો નચિકેતા શાનો ? તે સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યો-તરસ્યો યમરાજના દ્વારે ઊભો રહ્યો. ચોથા દિવસે યમરાજ યમલોકમાં આવ્યા. તેમણે જોયું તો એક તેજસ્વી બાળક આંગણે આવીને ઊભો છે. ત્રણ દિવસના ઉપવાસથી તેનું શરીર નિસ્તેજ બની ગયું છે. યમરાજ તેની સામે જોઈ જ રહ્યા.
👦 નચિકેતાએ કહ્યું, ‘શું યમરાજ, તમે મને અંદર નહીં બોલાવો ? આંગણે આવેલા અતિથિને આવકાર આપવો એ તો ધર્મ છે. હું ત્રણ દિવસથી ભૂખ્યો-તરસ્યો છું. મને પાણી પણ નહીં પીવડાવો ?’ યમરાજે તેને અહીં આવવાનું કારણ પૂછ્યું. બાળક નચિકેતાએ કહ્યું, "મારા પિતાએ મને તમારી પાસે મોકલ્યો છે. મને દાનમાં અર્પણ કરી દીધો છે. હવે હું તમારી પાસે જ રહીશ. યમરાજે તેના માથે હાથ ફેરવતાં કહ્યું, "બેટા, હજી તો તારી ઉંમર ઘણી નાની છે. છતાં પિતાની આજ્ઞા પાળવા માટે ત્રણ દિવસથી તું અહીં ઊભો છે. તારા આ તપ અને ધર્મથી હું પ્રસન્ન થયો છું. તું મારી પાસે આવવાની જીદ છોડી દે. હું તને તું કહે તે ત્રણ વરદાનનું વચન આપું છું.
👦 નચિકેતાએ કહ્યું, "મને પહેલું વરદાન એ આપો કે હું જ્યારે અહીંથી પાછો ફરું ત્યારે મારા પિતાજી શાંત ચિત્તે મારું સ્વાગત કરે.
"મને બીજું વરદાન એ આપો કે જે વિદ્યા વડે સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે તે અગ્નિવિદ્યા મને પ્રાપ્ત થાય.
"અને ત્રીજું વરદાન એ આપો કે આત્મા એટલે શું અને તેનું રહસ્ય મને સમજાવો.
નચિકેતાની બુદ્ધિપ્રતિભાથી યમરાજ પ્રસન્ન થયા. તેમણે ‘તથાસ્તુ’ કહીને બાળકને આશીર્વાદ આપ્યા.
પહેલી માગણી દ્વારા તેણે ચતુરાઈથી પોતાના ઘરે પાછા ફરવાનું અને પિતાને શાંત કરવાનું વચન માંગી લીધું.
👦 બીજા વરદાનમાં તેણે જીવનને ઉચ્ચ બનાવનારી અગ્નિવિદ્યા માગી. યમરાજે કહ્યું, ‘તું જે અગ્નિવિદ્યા માંગી રહ્યો છે તે હવે પછી ‘નચિકેતા અગ્નિ’ તરીકે પ્રસિદ્ધ થશે. ’ ત્રીજા વરદાનમાં તેણે આત્માનું જ્ઞાન અને મોક્ષ માગ્યો હતો, જેના માટે ઋષિ-મુનિઓ હજારો વર્ષોનું તપ કરે છે. યમરાજે તેને આ ત્રીજું વરદાન છોડી દેવા કહ્યું. તેના બદલામાં હાથી ઘોડા, સોનું, પું, પૃથ્વીનું રાજ્ય અને અખંડ વૈભવ આપવા તૈયારી દર્શાવી. પણ નચિકેતા ટસનો મસ થયો નહીં. તેણે કહ્યું, "મારે આ ક્ષણિક દુન્યવી સુખ જોઈતું નથી. મારે તો અખંડ સુખ જોઈએ છે, જે આત્માના સુખ દ્વારા પ્રાપ્ત થાય છે.
👦 છેવટે યમરાજે તેને પ્રસન્ન થઈ આત્માનું જ્ઞાન આપ્યું, અને કહ્યું, "મન ખૂબ ચંચળ છે. તે સહેલાઈથી ચલિત થઈ જાય છે. માટે દરેક વસ્તુનો બુદ્ધિપૂર્વક વિચાર કરવો. મનના ઘોડાને બુદ્ધિના ચાબુક વડે કાબૂમાં રાખવો. સાચી બુદ્ધિ વડે જ આત્માનું જ્ઞાન થાય છે અને આત્માના જ્ઞાન દ્વારા જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. જગતમાં સર્વશ્રેષ્ઠ પરમાત્મા જ છે. પરંતુ તેને પામવાનો માર્ગ કઠિન છે. આજે તું તે જ્ઞાન મેળવવા હક્કદાર બન્યો છે.
👦 બાળક નચિકેતાના આનંદનો કોઈ પાર રહ્યો નહીં. જ્ઞાની બાળક યમલોકના દ્વારેથી સદેહે ધરતી પર પાછો આવ્યો. ઘરે પહોંચતાં જ પિતાજીએ તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું અને પોતાની ભૂલ બદલ પસ્તાવો વ્યક્ત કર્યો. આ બાળક મોટો થઈ મહાજ્ઞાની નચિકેતા તરીકે પ્રસિદ્ધ થયો.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment