🗻 ગિરનાર પર્વત 🗻
🗻 ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૮,૦૦૦ પગથિયા છે.
🗻 દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાઇ છે. દર વર્ષે ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવાય છે. સ્થાનિક લોકોનો દાવો છે કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછો સમય ૫૪ મિનીટનો નોંધાયો છે.(સંદર્ભ આપો) સામાન્ય માણસને ગિરનાર ચડી પાછા આવતા ૫-૮ કલાક લાગે છે.
🗻 હિંદુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડા પગે ગિરનારનાં પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે આ પવિત્ર સ્થળ ગિરનાર છે. જે હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં લોકો માટે મહત્વનું યાત્રાધામ છે. અહીં ઘણાબધા મંદિરો આવેલા છે. આ બધા સાથે અહીં મુસ્લિમ ધર્મ સ્થાનાકો પણ આવેલાં છે.
🗻 ઇતિહાસ:-
સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઇતિહાસ ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ કરી, ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જૂનાગઢ (ગિરિનગર)માં પુષ્યગુપ્ત નામનો પોતાનો સુબો મુક્યો હતો. પુષ્યગુપ્તે સુવર્ણસિકતા નદી પર સુદર્શન નામનું સરોવર બંધાવ્યું હતું. સમ્રાટ અશોકના તુસાચ્ય નામના સૂબાએ તેમાં નહેરો ખોદાવી સિંચાઈનું કાર્ય કર્યું હતું. સ્કંદગુપ્તના પર્ણદત્ત નામના સૂબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલા સુદર્શન તળાવને ફરી બંધાવ્યું. આ મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્રારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિધ્ધિ અપાવેલ છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજ્જયંત, રૈવત, રૈવતક અને જુનાગઢ શહેરને ગિરિનગર, જીર્ણદુર્ગ નાં નામથી ઓળખાતા હતાં.
🗻 આમ સમયનાં વહેણની સાથે જુનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ કર્યુ. ઈ.સ.૧૧૫૨ની આસપાસ ત્યાનાં રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવ્યા હતાં. ત્યાર બાદ સમયનાં પરિવર્તનની સાથે અત્યારે ખૂબજ સારા પગથિયાનું નિર્માણ થયેલ છે. ગિરનાર પર્વતની સામે જ દશ-અગિયારમી સદીથી અકબંધ ઉભેલો ઉપરકોટનો કિલ્લો પણ ગિરનારનું નજરાણું છે. રાજા રા'ગ્રહરિપુએ બંધાવેલા આ કિલ્લાએ સોરઠનાં સતાપલટા અનેકગણા ખંડન-મંડન નિહાળ્યા છે. એક એવી કથા પણ અહીં પ્રચલિત છે કે જયારે સિદ્ધરાજ જયસિંહએ જૂનાગઢ પર ચડાઇ કરી અને ત્યાંના રાજા રા'ખેંગારને મારી તેની રાણી રાણકદેવીને લઇ જતો હતો, ત્યારે સતી રાણકદેવીએ ગિરનારને કહ્યું કે,
ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો ?
મરતા રા'ખેંગાર, ખડેડી ખાંગો ન થિયો ?
👉 અર્થાત: તારો રાજા હણાયો છતાં તું હજી ઉભો છે? આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણકદેવીએ તેને પડતો રોકવા કહ્યુ કે 'પડમા પડમા મારા આધાર'. ગિરનાર ત્યારે સ્થિર થઇ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઇ ગઇ હોય તેવી દેખાય છે. ઉપરકોટ અને નીચલો કોટ આ શીલાઓ જોવા માટેના સ્થળ છે.
🗻 પુરાણોમાં ઇતિહાસ:-
પુરાણકારોએ લેખકોએ અને કવિઓએ પોતાની કલમ દ્રારા ગિરનારને બિરદાવ્યો છે અને ઉપસાવ્યો છે. ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે. યોગીઓ, સંતો, સિધ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન છે. તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે. ગિરનારને ઇતિહાસ પુરાણ માં રૈવત, રેવંત, રૈવતક, કુમુદ, રૈવતાચળ અને ઉજજ્યંત પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે. કારણકે વસ્ત્રોનો ત્યાગ કરી જયાં સિધ્ધોએ તપ કર્યુ તેથી આ ક્ષેત્રને વસ્ત્રાપથ કહે છે. ગિરનાર ક્ષેત્રની સિમાઓ ઉતરે ભાદર, દક્ષિણે બીલખા, પૂર્વમાં પરબધામ (તા. ભેંસાણ) અને પશ્ચિમે વંથલી સુધીની ગણાય છે. એક વાર્તા મુજબ પહેલા પર્વતોને પાંખો હતી અને તેઓ ઉડતા હતા. ઇન્દ્ર એ બધા પર્વતોની પાંખો વજ્રથી કાપવા માંડી ત્યારે રૈવતક પર્વત છુપાઇ ગયેલો. દ્વારિકા માં જ્યારે કૃષ્ણ રાજ્ય કરતા હતા, અને અર્જુન જ્યારે વનવાસ દરમિયાન તેમને મળવા આવ્યો ત્યારે, આ પર્વત પાસે જ કૃષ્ણએ તેને સુભદ્રા બતાવી હતી અને અહીંથી જ સુભદ્રાનું અપહરણ કરી અર્જુન લઇ ગયો હતો.
🗻 ઈસુની સાતમી સદીમાં રચાયેલા સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં ગિરનાર નું મહાત્મ્ય આપેલું છે, તે મુજબ ગિરનારનું ક્ષેત્ર દશ-દશ ગાઉના પરિઘમાં ફેલાયેલું હતું. ગિરનારમાં આનંદ, કાલરોધ, સનક, વ્રૂષ, નીલ, ક્રૂષ્ણ અને રૂદ્ર જેવા અનેક પુણ્યસ્થળો અને વિવરો છે. પ્રભાસખંડ ગિરનારનું વર્ણન આપતા વિશેષ કહે છે કે, ગિરનાર શિવ લિંગાકાર છે. તેના ભૈરવ, ગજપદ, રામાનંદ, મહાશૂંગ, અંબિકા અને શ્રીચક્ર વગેરે શિખરો તથા સિંહ, વિજય, કમલ, ત્રિલોચન, કુબેર અને અશ્વત્થામા વગેરે શૂંગો છે. આ શિખરો અને શૂંગો આજે પણ છે. પરંતુ સમય જતાં તેનાં નામોનું પરિવર્તન થઈ ગયું છે.
🗻 ગિરનારની પરિક્રમાનું મહત્વ:-
ગિરનારએ અગ્નિકૃત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભુ છે.
🗻 ભવનાથનો મેળો:-
મનુષ્યનું જીવન વેદના અને સંવેદનાની ખીણમાંથી પસાર થાય છે. એણે જે કંઈ સહન કર્યુ, જીરવ્યું, જોયું એની વેદના અથવા આનંદ વ્યકત કરતો રહે છે. વ્યકત કરવા માટેનું માધ્યમ કાવ્ય કે લેખ બને છે અને અનુભવવા માટે અલગ અલગ જગ્યાએ યોજાતા મેળાઓમાં જાય છે. આમ સૌરાષ્ટ્રમાં મુખ્ય જેવાકે રામનવમીના દિવસે ભરાતો માધવપુરનો મેળો ભકિત-કીર્તનનો મેળો ભરાય છે, ઋષિપંચમીના દિવસે તરણેતરનો મેળો યૌવન,રંગ,રૂપ,મસ્તી,લોકગીત,દુહા અને લોકન્રૂત્યનો મેળો ભરાય છે. જયારે ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રિ નાં દિવસે ભરાતો ભવનાથનો મેળો અલખના આરાધકોનુ મિલન સ્થળ છે જયાં ભારત ભરનાં સાધુ સંતો ભેગા થાય છે. જે ભારતમાં કુંભના મેળા પછી બીજા સ્થાને આવે છે.
🗻 મંદિરો:-
🎪 નેમીનાથ દેરાસર
🎪 સહ્સાવાન્ નમીનાથજીનાં દેરાસર
🎪 અંબાજીનું મંદિર
🎪 ગોરખનાથનો ધુણો
🎪 દતાત્રેયનો ધુણો
🎪 મીરા દાતાર
🗻 અન્ય સ્થળો:-
🎪 અશોકનો શિલાલેખ
🎪 દામોદર કુંડ
🗻 દર વર્ષે લાખો લોકો ગિરનાર પર્વતની પરિક્રમા કરે છે. ગિરનાર પર ચડવા માટે સવારનો સમય સૌથી અનુકૂળ રહે છે અને આખો ગિરનાર ચડીને આવતાં લગભગ 5 થી 7 કલાક લાગે છે. આ સિવાય ગિરનારની અંદર ભતૃહરિની ગુફા, સોરઠ મહેલ, સૂર્ય કુંડ, ભીમ કુંડ વગેરે જોવા લાયક સ્થળો છે. અહીંયા એક ગૌમુખી કુંડ પણ આવેલ છે જેની અંદર ઝરણાંમાંથી પાણી આવે છે.
અહીં પહોચવા માટે સૌથી નજીકનું હવાઈ મથક જૂનાગઢ છે 35 કિ.મી. ના અંતરે આવેલ છે. રેલ્વે માર્ગ દ્વારા પણ અહીં જઈ શકાય છે જે ગિરનાર એક્સપ્રેસ મુંબઈને જોડે છે. સડક માર્ગ દ્વારા જવા માટે અહીં ખાનગી અને રાજ્ય સરકારની બસો પણ ઉપલબ્ધ છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.



No comments:
Post a Comment