ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Friday, November 30, 2018

વ્યક્તિ પરિચય - દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

📑 દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર 📑
'કાકાસાહેબ' (૧ ડિસેમ્બર ૧૮૮૫ - ૨૧ ઓગસ્ટ ૧૯૮૧), નિબંધકાર, પ્રવાસલેખક. જન્મ મહારાષ્ટ્રના સાતારામાં. મરાઠીમાં પ્રાથમિક શિક્ષણ પુના, શાહપુર, બેલગામ, જત, સાઘનુર અને ધારવાડ વગેરે સ્થળેથી લઈને ૧૯૦૩માં મેટ્રિક. ૧૯૦૭માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે બી.એ. ૧૯૦૮માં એલ.એલ.બી.ની પ્રથમ વર્ષની પરીક્ષા. ૧૯૦૮માં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય. ૧૯૦૯માં મરાઠી દૈનિકમાં. ૧૯૧૦માં વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં . ૧૯૧૨માં વિદ્યાલય બંધ થતાં હિમાલયના પગપાળા પ્રવાસે. ૧૯૧૫થી શાંતિનિકેતનમાં. ૧૯૨૦થી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાચીન ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક. અહીં ગુજરાતી જોડણીકોશનું કામ એમણે સંભાળેલું. ૧૯૨૮માં વિદ્યાપીઠના કુલનાયકપદે. ૧૯૩૪માં વિદ્યાપીઠમાંથી નિવૃત્તિ. ૧૯૩૫માં ‘રાષ્ટ્રભાષા સમિતિ’ના સભ્યપદે રહી હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાએ પ્રચારનું કાર્ય. ૧૯૪૮થી ગાંધી સ્મારક નિધિ, મુંબઈમાં અને ૧૯૫૨થી એ દિલ્હીમાં ખસેડાઈ ત્યારે દિલ્હીમાં સ્મારક નિધિના કાર્યમાં જીવનનાં છેલ્લાં વર્ષો સુધી વ્યસ્ત. દશેક વખત કારાવાસ ભોગવેલો અને પાંચેક વખત વિદેશપ્રવાસ ખેડેલો. ૧૯૫૨માં રાજ્યસભાના સંસદસભ્ય તરીકે ને ૧૯૫૩માં ‘બેકવર્ડ ક્લાસ કમિશન’ના પ્રમુખ તરીકે તેઓ નિયુક્ત થયેલા. ૧૯૫૯ના ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના વીસમા અધિવેશનના પ્રમુખ. ૧૯૬૪માં ‘પદ્મવિભૂષણ’નો ઈલ્કાબ અને ૧૯૬૫નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક.

જન્મ અને શિક્ષણ
તેમનો જન્મ ઈ.સ.૧૮૮૫માં સતારામાં થયો હતો. તેમની મૂળ અટક રાજાધ્યક્ષ હતી. પરંતુ સાવંતવાડી વિસ્તારમાં આવેલા કાલેલી ગામના વતની હોવાથી તેઓ કાલેલકર તરીકે ઓળખાયા. તેઓ માતા‌‌પિતાનું પાછલી વયનું સંતાન હોવાથી ખૂબ લાડકોડમાં ઊછર્યા હતા. પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં તેમણે ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. તેમને નાનપણથી જ પ્રવાસનો ઘણો શોખ હતો. તેઓ આજીવન કુદરતપ્રેમી , પ્રવાસી , પરિવ્રાજક બની રહ્યા. તેઓ વિવિધ ભાષાઓ શીખવાના શોખીન હતા.

સાહિત્ય પરીચય
ગાંધીજીના અંતેવાસીઓમાંના દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર પાસેથી ભારતીય સંસ્કૃતિનું સમુચિત ગૌરવ કરતું ચિંતનલક્ષી સાહિત્ય અને વિરલ પ્રવાસનિબંધો મળ્યાં છે. એ પૈકી ‘હિમાલયનો પ્રવાસ’ પુરાણ, ધર્મ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિની રમણીય યાત્રા બની રહે છે. તો લલિત નિબંધ એક સ્વનિર્ભર સાહિત્યિક સ્વરૂપ તરીકે તેમના નિબંધોથી પ્રતિષ્ઠિત થાય છે. શુદ્ધ કલ્પનાપ્રાણિત નિબંધો ઉત્તમ રૂપે અને વિપુલ સંખ્યામાં પ્રથમવાર તેમની પાસેથી મળે છે. ‘રખડવાનો આનંદ’, ‘જીવનનો આનંદ’, ‘જીવનલીલા’, ‘ઓતરાતી દીવાલો’ વગેરે સંગ્રહોમાં આ પ્રકારની લલિતરચનાઓ છે. તેમા ગદ્યસામર્થ્યને કારણે ગાંધીજી તરફથી તેમને "સવાઈ ગુજરાતી" નું બિરુદ મળેલું.[૧]

‘હિમાલયનો પ્રવાસ’ (૧૯૨૪), ‘બ્રહ્મદેશનો પ્રવાસ’ (૧૯૩૧), ‘પૂર્વ આફ્રિકામાં’ (૧૯૫૧), ‘શર્કરાદ્રિપ અને મોરેશિયસ’ (૧૯૫૨), ‘રખડવાનો આનંદ’ (૧૯૫૩), ‘ઊગમણો દેશ’ (૧૯૫૮) એ એમના પ્રવાસગ્રંથો છે. સ્થળની સૂક્ષ્માતિસૂક્ષ્મ ખાસિયતો અને સ્થળસંદર્ભે ચિત્તમાં જાગતાં સ્મૃતિસાહચર્યોને તેઓ આલેખે છે, પરિણામે આ પ્રવાસગ્રંથોની સામગ્રી માત્ર માહિતીમૂલક લેખો ન બની રહેતાં નિબંધનું રૂપ ધારણ કરે છે. ‘સ્મરણયાત્રા’ (૧૯૩૪) આત્મકથા ન બનતાં શૈશવના પ્રસંગોને આત્મનેપદી શૈલીમાં રજૂ કરતી સંસ્મરણકથા બની રહે છે. ‘બાપુની ઝાંખી’ (૧૯૪૬) અને ‘મીઠાને પ્રતાપે’ (૧૯૫૫) જેવા ગ્રંથો બાપુના પૂર્ણરૂપના જીવનચરિત્ર વિષયક ગ્રંથનું સ્વરુપ ધારણ ન કરતાં જીવનચરિત્ર માટેની શ્રદ્ધેય વિષયસામગ્રી પૂરી પાડતા ગ્રંથો બની રહે છે. ‘ધર્મોદય’ (૧૯૫૨)માંથી કાકાસાહેબની ધર્મભાવના અને શ્રદ્ધાનું રૂપ દ્રષ્ટિગોચર થાય છે. ‘શ્રી નેત્રમણિભાઈને’ (૧૯૪૭), ‘ચિ.ચંદનને’ (૧૯૫૮) અને ‘વિદ્યાર્થિનીને પત્રો’ (૧૯૬૪)માં તે વ્યક્તિઓને લખેલા એમના પત્રો સંગ્રહિત છે. એમણે, ગાંધીજીએ જુદી જુદી વ્યક્તિઓને લખેલા પત્રોનાં છએક જેટલાં સંપાદનો પણ તૈયાર કરેલાં. ‘પ્રાસંગિક પ્રતિસાદ’ (૧૯૭૦) એ એમની ડાયરીના અંશો ધરાવતી ડાયરી શૈલીની નોંધોનો સંગ્રહ છે. અહીં ચરિત્રાત્મક સાહિત્યનાં આત્મચરિત્ર, જીવનચરિત્ર જેવાં સ્વરૂપો ગૌણસ્વરૂપે, તો પત્રો અને ડાયરી જેવાં ગૌણસ્વરૂપો મુખ્યરૂપે એમની પાસેથી પ્રાપ્ત થાય છે.

એમનું ચિંતનાત્મક લખાણ સંસ્કૃતિ, કલા અને સાહિત્ય-એમ ત્રિવિધ ક્ષેત્રે વહેંચાયેલું છે. ‘ઓતરાતી દીવાલો’ (૧૯૨૫), ‘જીવતા તહેવારો’ (૧૯૩૦), ‘જીવનસંસ્કૃતિ’ (૧૯૩૬), ‘જીવનભારતી’ (૧૯૩૭), ‘ગીતાધર્મ’ (૧૯૪૪), ‘જીવનલીલા’ (૧૯૫૬), ‘પરમસખા મૃત્યુ’ (૧૯૬૬)માંથી એમનું સંસ્કૃતિચિંતન તેમ જ ‘જીવનનો આનંદ’ (૧૯૩૬), ‘જીવનવિકાસ’ (૧૯૩૬), ‘અવારનવાર’ (૧૯૫૬), ‘જીવનપ્રદીપ’ (૧૯૫૬), ‘રવીન્દ્રસૌરભ’ (૧૯૫૬), ‘ગુજરાતમાં ગાંધીયુગ’ (૧૯૭૦), ઈત્યાદિ ગ્રંથોમાંથી એમનું કળા અને સાહિત્ય વિષયક ચિંતન પ્રાપ્ત થાય છે. એમના સાહિત્યચિંતનમાંથી સાહિત્યનાં પ્રયોજન અને કાર્ય, સાહિત્યની કસોટી, શક્તિ અને સફળતા વિશે, સાહિત્ય અને નીતિ, જીવનમૂલ્યો વગેરે વિશેના વિચારો મળે છે. શૃંગાર, વીર, કરુણ વગેરે રસોની શક્તિ અને કાર્ય વિશે એમણે કરેલી પરીક્ષા તથા પ્રશિષ્ટ ગ્રંથોના સેવનની એમણે કરેલી હિમાયત આજે પણ એટલી જ પ્રસ્તુત અને ઉપયોગી છે.

એમના વિપુલ સાહિત્યમાંથી કેટલાક વિચારપ્રધાન, લલિત અને અંગત નિબંધોના પણ સુંદર ઉદાહરણો મળે છે. એમનું મોટા ભાગનું સાહિત્ય શિક્ષણ અને પત્રકારત્વની કામગીરીની નીપજરૂપ છે.

એમણે પત્રકારત્વ ક્ષેત્રે જે પ્રદાન કર્યું છે તેનું ઘણું મૂલ્ય છે. પ્રારંભમાં ૧૯૦૯માં લોકમાન્ય તિલકના મરાઠી પત્ર ‘રાષ્ટ્રમત’માં સેવાઓ આપેલી. પછી ૧૯૨૨ થી ‘નવજીવન’માં જોડાયેલા. એમણે લખેલા તંત્રીલેખો તથા ‘શિક્ષણ અને સાહિત્ય’ ની વિષયસામગ્રી ધ્યાનાર્હ બની રહે એ કોટિની છે. ૧૯૩૬ થી ‘ભારતીય સાહિત્ય પરિષદ’ના હિન્દી મુખપત્ર ‘હંસ’ ના સંચાલનમાં એમણે સેવાઓ આપેલી. હિન્દીના પ્રચારાર્થે ‘વિહંગમ’માં સંપાદકપદે પણ રહેલા. ૧૯૩૭ થી ગાંધીવિચારધારાના પ્રચારાર્થે ‘સર્વોદય’ શરૂ કરેલું. ૧૯૪૮ માં એમણે ‘મંગલપ્રભાત’ શરૂ કરેલું, જે ૧૯૭૫ સુધી ચાલેલું. ગુજરાતી ઉપરાંત હિંદી અને મરાઠી ભાષામાં પણ એમણે પત્રકારત્વની કામગીરી કરી છે. એક નીડર અને મૂલ્યનિષ્ઠ પત્રકાર રહીને એમણે પ્રકાશિત કરેલી સામગ્રીને કારણે એમને અનેક વખત કારાવાસની સજા થયેલી. ગાંધીયુગીન ગુજરાતી સાહિત્યમાં કાકાસાહેબનું સ્થાન સીમાસ્તંભ કોટિનું છે. જીવનવાદી કલામીમાંસક-વિચારક કાકાસાહેબનું ગદ્ય ગુજરાતી ગદ્યના વિકાસમાં મહત્ત્વનું પ્રદાન કરે છે. એમને ‘સવાઈ ગુજરાતી’ સર્જક તરીકેનું બિરુદ આ કારણે જ મળેલું. ભાવ, ભાષા અને અભિવ્યક્તિ સંદર્ભે એમના નિબંધોનું ઊંચું મૂલ્ય અંકાયું છે.

કાકાસાહેબને જીવનધર્મી સાહિત્યકાર તરીકે ઓળખી શકાય. તેમણે પોતે જ આપેલું એક વિધાન જોઈએ : ‘ઉપાસના કરવા લાયક જો કોઈ દેવતા હોય તો તે જીવનદેવતા જ છે. પણ જીવનદેવતાની ઉપાસના કપરી હોય છે. માણસને માટે જો કાંઈ પણ હિતમય હોય તો તે જીવનદેવતાને ઓળખવું એ જ છે. જીવનદેવતા બહુરૂપિણી છે.’ આ અવતરણમાં કાકાસાહેબના જીવનની સમગ્ર ફિલસૂફી તેના પૂરા અર્થમાં પ્રગટ થઈ છે. ગાંધી વિચારધારાના લેખકમાં કાકાસાહેબ કાલેલકરનું નામ હરોળમાં છે. રાષ્ટ્રપિતા ગાંધીજી દ્વારા ‘સવાઈ ગુજરાતી’નું બહુમાન પામનાર કાકાસાહેબનું નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર.

સાહિત્ય ક્ષેત્રે યોગદાન
તેમણે વડોદરાના ગંગાનાથ મહાલયના આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનની શિક્ષણસંસ્થામાં પણ શિક્ષણકાર્યનો અનુભવ લીધો હતો.આ બધાની ફલશ્રુતિરૂપ કાકાસાહેબમાં સુધારક ધર્મદ્રષ્ટિ , કલાદ્રષ્ટિ , ભારતીય જીવનદ્રષ્ટિ અને રાજકીય ઉદ્દામવાદી વિચારોનો જ્ન્મ થયો હતો.

કાકાસાહેબે નિબંધ, પ્રવાસકથા, આત્મવૃતાંત, પત્રલેખન, સાહિત્યવિવેચન આદિ મારફાતે ગુજરાતી ગદ્યના વિવિધ પ્રકારો ખેડ્યાં છે.કાકાસાહેબના નિબંધો વર્ણ્ય વિષય કે પ્રસંગને રસાવહ બનાવે તેવી સર્જકશૈલી એમનાં લેખોમાં હોય છે તેથી કાકાસાહેબના નિબંધો સર્જનાત્મક કોટિના બન્યા છે. તેમણે જેલજીવનથી માંડી મૃત્યુ સુધીના વિષયો પર ચિંતન કર્યુ છે તેમ છતાં એવા પણ નિબંધો છે જે વિષયનું ભારેખમપણું ઓગાળી દે. આમ, ચિંતનાત્મક નિબંધો અને સર્જનાત્મક નિબંધો એમ બંને પ્રકારના નિબંધો કાકાસાહેબ પાસેથી આપણને મળે છે. ગુજરાતી ગદ્યમાં લલિત નિબંધ એ કાકાસાહેબનું મહત્વનું અર્પણ બની રહ્યો છે.

‘જીવનનો આનંદ’ , ‘જીવનભારતી’ , ‘જીવનસંસ્કૃતિ’ , ‘રખડવાનો આનંદ’ – વગેરે તેમણે લખેલા લલિત‌ - સર્જનાત્મક સ્વરૂપના નિબંધના ખૂબ સરસ પુસ્તકો છે.
‘હિમાલયનો પ્રવાસ’ , ‘બ્રહ્મદેશનો પ્રવાસ’ , ‘પૂર્વ આફ્રિકામાં’ , ‘ઊગમણો દેશ જાપાન’ – વગેરે પ્રવાસના પુસ્તકો છે.
‘સ્મરણયાત્રા’ – તેમની આત્મકથાનું પુસ્તક છે.
‘જીવનલીલા’ – માં લોકમાતા નામે અગાઉ પ્રસિધ્દ્ધ થયેલા નદીવિષયક લેખો સંગ્રહાયા છે.
‘ઓતરાતી દીવાલો’ – માં સ્વાતંત્ર્ય – લડતના ભાગરૂપ તેમના જેલવાસ દરમિયાન તેમણે કરેલું કુદરતની સૃષ્ટિનાં જીવજંતુ –પંખીઓ –પ્રાણીઓની જીવનલીલાનું સૂક્ષ્મ છતાં રસાળ અવલોકન છે.
‘બાપુની ઝાંખી’ - સંસ્મરણોનું પુસ્તક
‘ચિ.નેત્રમણિભાઈને’ , ‘ચિ.ચંદનને’ – વગેરે પત્ર સાહિત્ય આપતાં પુસ્તકો પણ છે.
‘જીવનભારતી’ - સાહિત્યવિષયક લખાણો – માં ગ્રંથસ્થ થયેલાં છે.
‘જીવનનો આનંદ’ - લલિત નિબંધો : આ ગ્રંથ તેમણે ઈ.સ. ૧૯૩૬ માં લખ્યો હતો. આ ગ્રંથ બે વિભાગમાં સ્પષ્ટપણે વહેંચાઈ જાય છે. ૧. ‘નિવૃતિમાં નિરીક્ષણ’ અને ૨. ‘પ્રકૃતિનું હાસ્ય’‌ - આ તેના બે વિભાગો છે. આ બધા લલિત નિબંધો તેના વર્ણ્યવિષયને લીધે તો ખરા જ ; સાદી સરળ છતાં ચેતોહર સહજ એવા સજીવારોપણ અલંકારથી કલ્પનાસમૃધ્ધ પણ બન્યાં છે.
‘રખડવાનો આનંદ’ આ પુસ્તક ઈ.સ.૧૯૫૩ માં લખાયું હતું. તેમાં જે નિબંધો સંગ્રહાયા છે તે મુખ્યત્વે વિશાળ ભારતમાં વિવિધ તીર્થધામો અને કલાધામોને લગતા લેખો છે. કાકાસાહેબે એક સરસ અવલોકન કર્યું છે * ‘દેશદર્શન એ મારે મન દેવદર્શનનો જ એક ભાગ છે.’ એ લલિત નિબંધો બની રહે છે. તેમાં કાકાસાહેબની સૌંદર્યદ્રષ્ટિ , કલાદ્રષ્ટિ અને સવિશેષ તો આજીવન પ્રવાસી એવા આત્માની જીવનદ્રષ્ટિનો આપણને પરિચય થાય છે. કન્યાકુમારીનું મંદિર , નર્મદાતીર પરનું યોગિનીમંદિર , બુધ્ધગયા , બાહુબાલીની મૂર્તિ , દેલવાડાનાં જૈનમંદિરોના પરિચયમાં કાકાસાહેબની હિંદુધર્મ અને સંસ્કૃતિ પરત્વે શ્રધ્ધા અને ભક્તિ સાચા અર્થમાં નિખરી આવતા જોઈ શકાય છે.
અજન્ટા ,તાજમહાલ , વૈરાગ્યવૈભવનો વારસો – માં કલાતીર્થોનો પરિચય તો દક્ષિણને છેડે , સીતા નહાણી , પુણ્ય તારાનગરી વગેરે લેખોમાં પ્રકૃતિદર્શનનો સુભગ પરિચય લેખક કરાવે છે.


કાકાસાહેબના ગદ્યમાં પાંડિત્ય અને રસિકતા, આદર્શમયતા અને વ્યવહારદક્ષતા , કવિત્વ અને વિનોદ, સ્વસ્થતા અને રંગદર્શિતા, સંયમ અને સ્વૈરવિહાર, શિવ અને સુંદરનો અદભુત સમન્વય જોવા મળે છે. સંસ્કૃત અને તળપદી ભાષાનો સંગમ કરતું કાકાસાહેબનું ગદ્ય શુધ્ધ , સરળ અને સાત્ત્વિક શૈલીમાં મઢાઈને કાવ્યતત્વની ટોચ સર કરે છે. ડૉ. પ્રમોદકુમાર પટેલ કાકાસાહેબના ગદ્યની ઓળખ આપતા કહે છે કે, "આપણા ગદ્યસાહિત્યમાં તેમણે ખરેખર એક સંસ્કારસમૃધ્ધશૈલી નિર્માણ કરી એ રીતે આપણા સંસ્કારજીવનને સમૃધ્ધ કરવામાં , આપણી રસકીય ચેતનાને પ્રફુલ્લિત કરવામાં તેમજ આપણી ભાષાની ખિલવણીમાં તેમના લલિત નિબંધો અને પ્રવાસગ્રંથોનું વિશેષ યોગદાન રહ્યુ છે."

દેહાંત
ઈ.સ.૧૯૮૧ના ઓગસ્ટ મહિનાની વીસમી તારીખના રોજ તેમનું અવસાન થયું હતું.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.