👩 શીલવંત નારી: ગંગાસતી 👩
👩 જન્મ: ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાથી આશરે 35 કિ.મી.ના અંતરે આવેલા રાજપરા ગામમાં ઈ.સ. 1846 માં થયો હતો.
👩 પિતાનું નામ: શ્રી ભાઈજી ભાઈ જેસાજી સરવૈયા
👩 માતાનું નામ : રૂપાળી બા
👩 ભાઈબહેન : ચારભાઈબહેન
👩 અભ્યાસ : પીપરાળી ગામાના ગુરુભૂધરદાસજી પાસેથી
👩 ગંગાબાના લગ્ન: સમળીયાના ગિરાસદાર શ્રી કહળસંગ કાલુભા ગોહિલ સાથે ઈ.સ. 1864 માં થયાં હતાં.
👩 સેવિકા : પાનબાઈ નામની ખવાસ કન્યાને સેવિકા તરીકે તેમની સાથે મોકલવામાં આવી.
👩 શીલ એટલે ચારિત્ર. ચારિત્ર એટલે મર્યાદા. મર્યાદા એટલે ધર્મ. આ ત્રણેનો સંગમ જેમાં મળે છે તે સ્ત્રી છે. પુત્રી, પત્ની અને માતાનો મેળાપ જેમાં થાય છે તે સ્ત્રી છે. સંઘર્ષશક્તિ, સહનશક્તિ અને વિવેકશક્તિ. આ ત્રણેનો જેમાં સમન્વય થાય છે તે સ્ત્રી છે. સુખ, શાંતિ અને સંતોષ આ ત્રણ જગતને જ્યાંથી મળે છે તે સ્ત્રી છે. પ્રેમ, કરુણા અને ત્યાગ આ ત્રણ ગુણો જેમાં પાંગર્યા તે સ્ત્રી છે. સ્ત્રી અવતાર ધારણ કરી અનેક પ્રકારે પોતાની ફરજ બજાવે છે. તે કેડી છે. તે દર્શક છે. તે મંજિલ છે. સ્ત્રી ભજનો રચે છે, ભજનો ગાય છે. તે સંસારને ભજનનો ભાવ પીરસે છે. તે રૂડી છે. તેનાથી ઘર રૂડું છે. કુટુંબ રૂડું છે. કુટુંબ રૂડું છે તો તે સંસાર રૂડો છે. આવો, આવી એક શીલવંત નારી સૌરાષ્ટ્રની ધન્ય ધરતી પર થઈ ગઈ એનો પરિચય આપને કરાવું.
👩 નામ એમનું ગંગાસતી. ગોહિલવાડમાં આવેલું રાજપરા એમનું ગામ. એમનો જન્મ સંવત 1781માં થયો હતો. એમની માતાનું નામ રૂપાળીબા. એમના પિતાનું નામ ભાઈજીભાઈ સરવૈયા. ગંગાસતીને નાનપણથી જ ભક્તિની લેહ લાગેલી. એ સવારે ને સાંજે મંદિરમાં અચૂક જાય. ત્યાં આવેલા સાધુ-સંતોનાં ટાંપાટૈયાં કરે, એમનો સત્સંગ સાંભળે. એમના આચાર-વિચારો જુએ. આ રીતે નિરંતર ઘડાઈને ગંગા મટી ગંગાસતી બની. એ સંસ્કારી ને શીલવંતી બની. હવે એના દેહ પર વસંતી વાયરા વાયા. પિતાએ એનો સંબંધ સમઢિયાળાના ઠાકોરસંગ સાથે કર્યો. કહળસંગ સંવત 1820માં જાન લઈ રાજપરા આવ્યા. ગંગાસતી અને ધ્રુવસંગનાં લગ્ન થયાં. બંને એક જ પંથના પંથી હતાં. બંને સત્સંગી, વિવેકી અને મર્યાદી હતાં. જાણે સોનામાં સુગંધ આવીને ભળી. ઘઉં ને કોથળાનો સહારો મળ્યો ને કોથળાને ઘઉંનો સહારો મળ્યો. ગંગાસતી ભક્તિ આંદોલનના મધ્યકાલિન કવિયત્રી હતા, જેમણે ગુજરાતીમાં સંખ્યાબંધ ભજનો રચ્યા હતા.
👩 જીવન: -
👉 તેમના જીવન વિશે કોઇ પ્રમાણભૂત માહિતી મળતી નથી કારણકે તેમના ભજનો અને જીવન કથા મૌખિક રીતે રજૂ થતી આવી છે. લોકકથાઓ અનુસાર, તેઓ હાલના ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજપરા ગામમાં વાઘેલા રાજપૂત કુટુંબમાં આશરે ૧૨મી થી ૧૪ સદીમાં જન્મ્યા હતા. તેમના લગ્ન ભાવનગર નજીક આવેલા સમળિયાના ગિરાસદાર કહળસંગ અથવા કહળુભા સાથે થયા હતા. કહળસંગ ભક્તિ આંદોલનના નિજ્ય અનુયાયી હતા. તેમને અજોભા નામનો પુત્ર હતો જેના લગ્ન પાનબાઇ સાથે થયા હતા. ગંગાસતી અને કહળસંગ અત્યંત ધાર્મિક હતા અને તેમનું ઘર ધાર્મિક સત્સંગનું કેન્દ્ર બન્યું. આવનારા લોકો અને સાધુઓ માટે તે નાનું પડતા તેઓ ખેતરમાં જઇ વસ્યા અને ત્યાં ઝૂંપડી બાંધી રહેવા લાગ્યા અને સત્સંગ ત્યાં ચાલુ રાખ્યો. લોકવાયકા મુજબ, લોકોના વ્યંગથી પોતાની આધ્યાત્મિક સિદ્ધિઓની સાબિતી આપવા માટે, કહળસંગ સિદ્ધિનો ઉપયોગ કરવા પ્રેરાયા. એથી ગાય સજીવન થઈ અને ચોતરફ વાત ફેલાઈ ગઈ. સિદ્ધિનો અકારણ ઉપયોગ અને પરિણામ સ્વરૂપ આવી મળેલ પ્રસિદ્ધિ ભજનમાં બાધા કરશે એમ સમજાતાં તેમણે પ્રાયશ્ચિતરૂપે દેહત્યાગનો સંકલ્પ કર્યો. ગંગાસતીએ પણ તેમની સાથે દેહત્યાગની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ કહળસંગે પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી તેમને રોકાઈ જવાની આજ્ઞા કરી. કહળસંગે દેહત્યાગ કરી સમાધિ લીધી ત્યારપછી એમ કહેવાય છે કે ગંગાસતી રોજ એક ભજનની રચના કરતાં અને પાનબાઈને સંભળાવતા. ગંગાસતીના ભજનો એક રીતે પાનબાઈને ઉદ્દેશીને અપાયેલ આધ્યાત્મિક શિક્ષણ છે. બાવન દિવસ સુધી આ ક્રમ જારી રહ્યો, જેના પરિણામે બાવન ભજનોની રચના થઈ. ગંગાસતીએ ત્યારબાદ સમાધિ લીધી.
👩 ભજનો:-
👉 ગંગાસતીએ ગુરૂની મહિમા અને મહત્વ, અનુયાયીનું જીવન, કુદરત અને ભક્તિનો અર્થ વગેરે પર ભજનો રચ્યા છે. તે પાનબાઇને ઉદ્દેશીને રચવામાં આવ્યા છે. આ ભજનો કોઇ ભગવાનનો ઉલ્લેખ કરતા નથી પરંતુ સામાન્ય સ્વરૂપમાં ભગવાનનો ઉલ્લેખ કરે છે. તે અધ્યાત્મના વિવિધ પાસાંઓને પણ રજૂ કરે છે. આ ભજનો સૌરાષ્ટ્ર અને ભક્તિ સંગીતમાં હજુ પણ લોકપ્રિય છે.
👩 ચલચિત્ર:-
👉 ૧૯૭૯માં તેમના જીવન પર આધારિત દિનેશ રાવલ દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ચલચિત્ર ગંગાસતી રજૂ થયું હતું.
👩 અવસાન:- પતિના મૃત્યુ બાદ ગંગાસતીએ રોજના એક લેખે 52 ભજનો પાનબાઇને ધાર્મિક શિક્ષણ આપવા સંભળાવ્યા અને 53મા દિવસે પોતે પણ જીવતા સમાધિ લીધી. આ દુઃખ સહન ન થતાં પાન બાઇ એ પણ જીવતા સમાધિ લીધી.
[1] વીજળીને ચમકારે
વીજળીને ચમકારે, મોતીડા પરોવે રે પાનબાઈ !
અચાનક અંધારાં થાશે જી .. (૨)
જોત રે જોતામાં દિવસો, વિયા રે ગિયા પાનબાઈ !
એકવીશ હજાર છસોને કાળ ખાશે જી … (૨)
વીજળીને ચમકારે…
જાણ્યા રે જેવી આ તો, અજાણ છે રે વાતો
અધૂરિયાંને ન કહેવાય ..
ગુપત રસનો આ ખેલ છે અટપટો ને,
આંટી રે મેલો તો (પૂરણ) સમજાય જી … (૨)
વીજળીને ચમકારે…
(નિરમળ થઈને) માન રે મેલી ને તમે,
આવો રે મેદાનમાં ને (પાનબાઈ !).. (૨)
જાણી લિયો જીવ કેરી (ની) જાત જી … (૨)
સજાતિ વિજાતિની જુગતી બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી … (૨)
વીજળીને ચમકારે…
પિંડ રે બ્રહ્માંડથી, પર છે ગુરુજી મારો ..(૨)
એનો (તેનો) રે દેખાડું તમને દેશ જી .. (૨)
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ !
ત્યાં નહિ માયાનો જરીએ (લેશ) રંગ જી … (૨)
વીજળીને ચમકારે, મોતીડા પરોવે રે પાનબાઈ !
અચાનક અંધારાં થાશે જી ..
જોત રે જોતામાં દિવસો, વિયા રે ગિયા પાનબાઈ,
એકવીશ હજાર છસોને કાળ ખાશે જી … (૨)
એકવીશ હજાર છસોને કાળ ખાશે જી
[2] ભક્તિ રે કરવી
ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ
મેલવું અંતરનું અભિમાન રે,
સતગુરુ ચરણમાં શીશ રે નમાવી
કર જોડી લાગવું પાય રે …. ભક્તિ રે કરવી એણે
જાતિપણું છોડીને અજાતિ થાવું ને
કાઢવો વર્ણ વિકાર રે,
જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં
એવી રીતે રહેવું નિરમાણ રે … ભક્તિ રે કરવી એણે
પારકાનાં અવગુણ કોઈના જુએ નહીં,
એને કહીએ હરિ કેરા દાસ રે,
આશા ને તૃષ્ણા નહીં એકેય જેના ઉરમાં રે
એનો દૃઢ રે કરવો વિશ્વાસ રે … ભક્તિ રે કરવી એણે
ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ
રાખજો વચનમાં વિશ્વાસ રે,
ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ
હરિજન હરિ કેરા દાસ રે …. ભક્તિ રે કરવી એણે
[3]મેરુ તો ડગે, જેનાં મન નો ડગે
મેરુ તો ડગે, જેનાં મન નો ડગે… પાનબાઈ…
મરને ભાંગી રે પડે ભરમાંડ રે,
વિપતી પડે તોયે વણસે નહિ ને રે,
શો ઈ હરિજનનાં પરમાણ રે.. મેરુ રે..
ચીતની વૃતિ રે જેની સદા રહે નિરમળી રે
કરે નઈ કોઈની રે આશ..
દાન દેવે પણ રેવે અજાચીને
રાખે વચનમાં વિશ્વાસ…
હરખ રે શોકની ના’વે જેને હેડકી ને
આઠે રે પહોર રે રહે આનંદ
નિત્ય તો રેવે સતસંગમાં રે
તોડે રે માયા કેરા ફંદ
તન મન ધન જેણે ગુરુને રે અર્પ્યા રે
અરે એનુ નામ નિજારી નર ને નાર
એકાંતે બેસીને અલખ આરાધે તો
અલખ પધારે એને દ્વાર
મેરુ તો ડગે, જેનાં મન નો ડગે… પાનબાઈ…
મરને ભાંગી રે પડે ભરમાંડ રે,
એજી સંગત્યુ કરો તો રે એવાની રે કરજો રે
ભજનમાં રે રેજો ભરપુર
ગંગાસતી… એમ બોલ્યા ને
અરે જેના નયણુમાં વરસે ઝાઝા નૂર
મેરુ તો ડગે, જેનાં મન નો ડગે… પાનબાઈ…
મરને ભાંગી રે પડે ભરમાંડ રે
વિપતી પડે તોયે વણસે નહિ ને રે,
શો ઈ હરિજનનાં પરમાણ રે.. મેરુ રે..
No comments:
Post a Comment