📕 દેશના મહાન ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા 📕
📍 જન્મ : 4 ઓક્ટોબર 1857, માંડવી, કચ્છ
📍 વ્યવસાય : ક્રાંતિકારી, વકીલ, પત્રકાર
📍 જીવનસાથી : ભાનુમતિ (લ. 1875)
📍 માતા-પિતા : ગોમતીબાઇ - કરસનજી (કૃષ્ણદાસ ભણસાલી)
📍 વેબસાઇટ : www.krantiteerth.org/index1.html
📕 શ્યામજી કૃષ્ણ વર્મા (૪ ઓક્ટોબર ૧૮૫૭ - ૩૦ માર્ચ ૧૯૩૦) ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી, વકીલ અને રાષ્ટ્રવાદી પત્રકાર હતા. તેમણે લંડનમાં ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટ (માસિક) ઈન્ડિયન હોમરુલ સોસાયટી અને ઈન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી અને વિદેશમાં રહીને ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ફાળો આપ્યો હતો
📕 પ્રારંભિક જીવન:-
👉 તેમનો જન્મ ૪ ઓક્ટોબર ૧૮૫૭ ના રોજ કચ્છના માંડવી બંદર ખાતે ભાનુશાળી (ભણસાલી) કુટુંબમાં થયો હતો. તેમના પિતા કરસનજી (કૃષ્ણદાસ ભણસાલી) મુંબઈની વેપારી પેઢીમાં નોકરી કરી જીવનનિર્વાહ ચલાવતાં હતા. તેમની માતાનું નામ ગોમતીબાઇ હતું. ૧૧ વર્ષની વયે જ બાળક શ્યામજીએ માતાપિતાનું છત્ર ગુમાવી દીધું હતું. તેમનો પ્રાથમિક અભ્યાસ માંડવી ખાતે થયો હતો. અભ્યાસમાં તેજસ્વી કિશોર શ્યામજીને ભાટિયા જ્ઞાતિના સદગૃહસ્થ શેઠ મથુરદાસ લવજીએ મુંબઈ તેડાવી વિલ્સન હાઈસ્કૂલમાં પ્રવેશ અપાવ્યો હતો. વિલ્સન સ્કૂલના અંગ્રેજી અભ્યાસની સાથેસાથે તેમણે સંસ્કૃત પાઠશાળામાં પણ અભ્યાસ કર્યો. ત્યારબાદ એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે જોડાયાં. ઇ.સ. ૧૮૭૪માં તેમણે દયાનંદ સરસ્વતીનું શિષ્યત્વ પ્રાપ્ત કરેલું અને આર્યસમાજી બન્યા. તેમની શિક્ષા દિક્ષાથી શ્યામજી કૃષ્ણ વર્મામાં ક્રાન્તિના બીજ રોપાયાં. શ્યામજી કરસનજી હવે શ્યામજી કૃષ્ણ વર્મા તરીકે જાણીતા બન્યા. સ્વરાજની લડતમાં દયાનંદ સરસ્વતીની પ્રેરણા અને પ્રોત્સાહન મળતાં ક્રાંતિકારી બન્યા. આર્ય સમાજના પ્રચાર માટે તેમણે લાહોર, બનારસ, મુંબઈ, અમદાવાદ, સુરત, નાસિક વગેરે સ્થળોએ સભાઓ ભરી પ્રવચન આપ્યાં. ૧૮૭૫માં તેમના લગન ભાટિયા જ્ઞાતિના શ્રીમંત ઉદ્યોગપતિની પુત્રી અને તેમના શાળા સમયના મિત્ર રામદાસની બહેન ભાનુમતી સાથે થયા. તેમના સંસ્કૃત ભાષા પરના પ્રભુત્વ અને જ્ઞાનથી પ્રભવિત થઈને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રાધ્યાપક મોનિયર વિલિયમ્સે ૧૮૭૭માં પોતાના મદદનીશ તરીકે ઓક્સફોર્ડ તેડાવ્યાં. ૧૯૭૯માં તેઓ ઈગ્લેન્ડ ગયા. જ્યાં વિલિયમ્સના મદદનીશ તરીકે કાર્ય કરવાની સાથે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની જ બલિયોલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને ૧૮૮૩માં ડિસ્ટિંક્શન સાથે બી.એ. થયા. ઉપરાંત કાયદાના અભ્યાસ માટે ઈનર ટેમ્પલમાં પ્રવેશ મેળવ્યો અને નવેમ્બર ૧૮૮૪માં કાયદાની પદવી મેળવી બેરિસ્ટર થયાં.
📕 કારકિર્દી:-
👉 ૧૯૮૫માં ભારત પરત ફરીને તેમણે મુંબઈ હાઈકોર્ટના વકીલ તરીકે નોંધણી કરાવી. ત્યારબાદ તેમણે રતલામ રાજ્યના દિવાનનો હોદ્દો સંભાળ્યો પરંતુ તબિયતના કારણોસર આ હોદ્દો છોડવો પડયો. મુંબઈ ખાતેના ટૂંકા વસવાટ બાદ તેઓ અજમેર સ્થાયી થયા જ્યાં ૧૮૮૮માં ફરીવાર તેમણે વકીલાત શરુ કરી. ૧૮૯૩થી ૧૮૯૫ સુધી ઉદયપુર રાજ્ય અને ત્યારબાદ જૂનાગઢ રાજ્યના દિવાનનો હોદ્દો પણ સંભાળ્યો. પરંતુ જૂનાગઢના દિવાનપદ દરમિયાન અંગ્રેજ અધિકારીઓ સાથેની ખટપટ અને કડવા અનુભવબાદ ૧૮૯૭માં તેઓ હંમેશ માટે ભારત છોડી ઈંગ્લૅન્ડ સ્થાયી થયાં.
📕 ઈંગ્લૅન્ડ વસવાટ:-
👉 ઈંગ્લૅન્ડમાં શરુઆતનો વસવાટ ઇનર ટેમ્પલ ખાતે કર્યો જ્યાં તેમણે અગ્રેજ તત્વજ્ઞાની હર્બટ સ્પેન્સરના પુસ્તકોનો અભ્યાસ કર્યો. વર્ષ જાન્યુઆરી ૧૯૦૫માં 'ધ ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટ' નામનું માસિક શરુ કર્યું. ભારતની સ્વરાજ્ય સાધના માટે ૧૮ ફેબ્રુઆરી ૧૯૦૫માં ભિખાઇજી કામા, દાદા ભાઈ નવરોજી અને સરદારસિંહ રાણાની સહાયથી લંડન ખાતે 'ધ ઈન્ડિયન હોમરુલ સોસાયટી'ની સ્થાપના કરી. ઈન્ડિયન હોમરુલ સોસાયટીએ તે સમયની વિક્ટોરીયન પબ્લીક ઇન્સ્ટીટ્યુટની તર્જ પર બનેલી જેનું પોતાનું લેખિત બંધારણ હતું. [૭] સોસાયટીના મુખ્ય હેતુઓ ભારત માટે સુરક્ષિત સ્વરાજ મેળવવું અને ઈંગ્લૅન્ડમાં સ્વરાજ પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિઓનો પ્રચાર પ્રસાર કરવાનો હતો.૧૯૦૦માં શ્યામજીએ લંડનમાં હાઈગેટમાં ઈગ્લૅન્ડ જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક વિશાળ અને મકાન ખરીદ્યું. જે સમય જતાં ભારતીય સ્વરાજ ચળવળના નેતાઓની મહત્વની બેઠકોનું કેન્દ્ર બન્યું. ૧ જુલાઈ ૧૯૦૫ના રોજ આ મકાનને 'ઈન્ડિયા હાઉસ' તરીકે ખુલ્લું મૂકવામાં આવ્યું.શ્યામજીની ઈગ્લૅન્ડ ખાતેની વધતી જતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓને કારણે તેમના પર પોલીસની ધોંસ વધતી ચાલી ગઈ પરિણામે જૂન ૧૯૦૭માં તેઓ પેરિસ ચાલ્યા ગયા.ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટમાં શ્યામજીએ લખેલા કેટલાક ક્રાંતિકારી લેખોને કારણે એપ્રિલ ૧૯૦૯માં ઈગ્લૅન્ડના ન્યાયાધિશોએ તેમની બેરિસ્ટર તરીકેની સનદ પાછી લઈ લીધી હતી.
📕 પેરિસ અને જિનીવા:-
👉 પેરિસમાં સરદારસિંહ રાણા અને ભિખાઈજી કામાના સહયોગથી 'વંદે માતરમ્' અને ઈન્ડિયન સોસિયોલોજીસ્ટર' નામના મુખપત્રો શરુ કર્યાં.[૪] ૧૯૦૮ અને ૧૯૦૯માં તેમણે ભારતમાં કેટલાક મિત્રોને રિવોલ્વરો અને બોમ્બ બનાવાની રીતો દર્શાવતી પુસ્તિકાઓ મોકલાવી. શ્યામજીના માસિકની નકલો મોટી સંખ્યામાં ભારત આવતાં. શ્યામજીએ જાહેર કરેલી શિષ્યવૃત્તિઓના પરિપાકરુપે વિનાયક દામોદર સાવરકર, મદનલાલ ધિંગરા, લાલા હરદયાળ, પી. એન. બાપટ વગેરે ભારતીય ક્રાંતિકારી ચળવળના તેજસ્વી નેતાઓ તરીકે આગળ આવ્યાં. મદનલાલ ધિંગરાએ બ્રિટિશ અધિકારી સર કર્ઝન વાઈલીની લંડનમાં હત્યા કરી જેમાં થયેલા વિવાદને પગલે તેઓ તેમના જૂના સાથીઓથી વિખૂટા પડી ગયા. સાવરકરની ધરપકડ અને સજાને પગલે પેરિસમાં તેમની પ્રવૃત્તિઓ નરમ પડતી ગઈ. ૧૯૧૪માં તેઓ પેરિસ છોડી જિનીવા જતા રહ્યાં.
📕 આવા મહાન દેશપ્રેમી ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્મા જીનીવા ખાતે ૩૧ મી માર્ચ ૧૯૩૦ ના રોજ અવસાન પામ્યા. તેમની અંતિમ ઈચ્છા પોતાના અસ્થિ સ્વદેશ લઇ જવાની હતી. જે ગુજરાત સરકારે ૨૦૦૩માં અસ્થિ ગુજરાત લાવવામાં આવ્યા. તે વીરાંજલિયાત્રા સ્વરૂપે ગુજરાતમાં પ્રદક્ષિણા કરી. દેશના મહાન ક્રાંતિકારી, રાષ્ટ્રરત્ન અને ગુજરાતના ગૌરવવંતા પુત્ર શ્યામજી કૃષ્ણવર્મા ઈ.સ. ૧૮૫૭ના બળવા પછી ક્રાંતિની મશાલની જ્યોત જલતી રાખવામાં આપણા ક્રાંતિકારીઓનો ફાળો અગ્રીમ રહ્યો છે.
📕 ૧૦૦ વર્ષ પહેલા પણ એમની લાખોપતિમાં ગણત્રી થતી. આમ છતા એમણે પોતાનું કોઇ જ વીલ બનાવ્યું નહોતું. એમના અર્ધાગીની ભાનુમતીએ શ્યામજીના મૃત્યુ બાદ એમનું વસીયતનામું તૈયાર કર્યુ હતું. જેના પાવર ઓફ એટર્ની શ્યામજીના પેરીસમાં રહેતા ખાસ મિત્ર સરદારસિંહ રાણાએ ૧૯૩૬માં મેળવ્યા હતા.
📕 શ્યામજીને કોઇ સંતાન નહોતું. પણ ભારતના નવયુવાનોના અભ્યાસ માટે એ જમાનામાં એમણે ૯૦,૦૦૦ ફ્રાન્કનું દાન આપ્યું હતું. ફ્રાન્સમાં યુનિવર્સિટી ઓફ પેરીસમાં કૃષ્ણ વર્મા ફાઉન્ડેશન છે. ફ્રાન્સ ભણવા આવવા ઇચ્છતા હિંદુ યુવાનો માટે એમણે સ્કોલરશીપ જાહેર કરી હતી. ત્યાંની સંસ્કૃત લાઇબ્રેરી માટે એમણે અનુદાન આપ્યું હતું. ચિત્રલેખાએ એમના વસિયતની ફ્રેન્ચમાંથી અંગ્રેજી અનુવાદ કરેલી કોપી મેળવી છે. શ્યામજી ભારત માટે જાસુસી કરતા હોવાની અંગ્રેજોને દ્રઢ શંકા હતી એટલે જ એમના પર બ્રિટીશ ગુપ્તચરતંત્ર ચાંપતી નજર રાખતું.
📕 સ્મારકો:-
👉 ક્રાંતિ તીર્થ, શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, માંડવી. તેમના લંડન ખાતેના નિવાસસ્થાન ઇન્ડિયા હાઉસની પ્રતિકૃતિ પાછળ દેખાય છે.
શ્યામજી કૃષ્ણ વર્માએ ભાનુમતીના ભંડોળમાંથી ૧૯પરમાં બે લાખ રૂપીયાનું અનુદાન માંડવીમાં ભાનુમતી મેટરનીટી હોસ્પીટલ માટે આપવામાં આવ્યું હતું. એ ઉપરાંત મુંબઇના ભારતીય વિદ્યાભવનમાં સંસ્કૃતના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. પેરીસની સોરબોન યુનિવર્સિટીમાં શ્યામજીના નામના બે રૂમ છે. એમણે એમના અલભ્ય પુસ્તકો અહીં દાનમાં આપી દીધાં હતા. માંડવી અને ભુજમાં શ્યામજીનાં બાવલા છે. માંડવીમાં શ્યામજી અને ભાનુમતીના નામના માર્ગ છે.
📕 તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે કચ્છમાં આવી ભૂજના ખાસ સમારોહમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને કચ્છના ક્રાંતિવીરની ‘સનદ' ભારતની ધરતી પર લાવી ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેનને સુપ્રત કરી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના ૫૫ વર્ષો બાદ ૨૨ ઑગસ્ટ-૨૦૦૩ના રોજ સ્વયં સ્વિત્ઝર્લૅન્ડથી તેમના અને તેમની પત્નીના અસ્થિ દેશમાં લાવી તેમના અંતિમ સ્વપ્નને સાકાર કર્યું. ૪ ઑક્ટોબર ૨૦૦૯ના રોજ તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ 'ક્રાંતિતીર્થ'નો પાયોનો પથ્થર મૂક્યો અને ૧૩ ડિસેમ્બર ૨૦૧૦ના રોજ ભૂમિપૂજન કરી ૫૨ એકરમાં ફેલાયેલા વિશાળ સ્મારકને દેશને સમર્પિત કર્યું. જેમાં હાઈગેટ લંડન ખાતેના ઈન્ડિયા હાઉસની પ્રતિકૃતિ અને શ્યામજી કૃષ્ણ વર્મા તથા તેમના પત્ની ભાનુમતીની પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે.
📕 પુસ્તકો:-
👉 ૧૯૩પમાં સૌ પહેલા ઇન્દુલાલ યાજ્ઞીકે શ્યામજી કૃષ્ણવર્મા વિશે અંગ્રેજીમાં જીવનચરિત્ર લખ્યું હતું, જે પહેલા કનૈયાલાલ મુનશી લખવાના હતા. પુસ્તક લખ્યાનાં ૧પ વર્ષ બાદ એટલે કે ૧૯પ૦માં એ પ્રકાશિત થયું એ પછી કચ્છના ગાંધી ગણાતા ગોકુલદાસ બાંભડાઇએ તેનો ગુજરાતી અનુવાદ કર્યો હતો. શ્યામજી વિશે એક દસ્તાવેજી ફિલ્મ પણ ગુજરાતના માહીતીખાતાએ બનાવી હતી. એ સિવાય શ્યામજીને વંદના નામની એક ઓડીયો કેસેટ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરીયલ ફાઉન્ડેશને બનાવી છે.
📕 સન્માન:-
👉 ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના સન્માનમાં ૪ ઓક્ટોબર ૧૯૮૯ ના રોજ સ્વાતંત્ર્ય સેનાની શ્રેણી અંતર્ગત ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.




No comments:
Post a Comment